November 18, 2024

સોશિયલ મીડિયામાંથી ફોટા લઇ યુવકે સુરતની યુવતીને બ્લેકમેઇલ કરી પૈસા પડાવ્યાં, આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ સોશિયલ મીડિયા લોકો માટે ફાયદાકારક પણ છે અને હાનિકારક પણ છે. ગણતરીના સમયમાં જ કોઈપણ મેસેજ હજારો લોકો સુધી પહોંચાડી શકાય છે. સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ લોકોને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. ખાસ કરીને યુવતીઓ સોશિયલ મીડિયામાં અજાણ્યા ઈસમો કે જેમની સાથે ઓળખાણ નથી તેમનાથી દૂર રહેવું જોઈએ. આ કહેવાનું કારણ એવું છે કે, સુરતની એક યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવક સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ તેની સાથે વીડિયોકોલ પર વાત પણ કરી હતી. પરંતુ સામેના યુવકે યુવતીના ફોટો લઈ તેને મોર્ફ કરીને યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. યુવતી પાસેથી પૈસા અને મોબાઈલ પણ પડાવી લીધો હતો. આ બાબતે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે યુવતીને બ્લેકમેઇલ કરનાર ઇસમ ચેતન બિશ્નોઈની નોઈડાથી ધરપકડ કરી છે.

સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં એક યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ચેતન બિશ્નોઈ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ તે આ ચેતન સાથે વીડિયો કોલની માધ્યમથી વાત પણ કરતી હતી. આ ચેતન નામના ઇસમ દ્વારા યુવતી સાથે વીડિયો કોલમાં વાત કરવામાં આવતી હતી. તે સમયના યુવતીના ફોટો સ્ક્રીનશોટના માધ્યમથી લઈ લીધા હતા અને ત્યારબાદ તેને આ ફોટાને મોર્ફ કરીને યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

આ ચેતન યુવતીને બ્લેકમેઇલ કરી તેની પાસેથી પૈસા પડાવતો હતો અને તે યુવતીને મળવા માટે સુરત પણ આવ્યો હતો. સુરતમાં પણ તેને યુવતીને બ્લેકમેઇલ કરી તેની પાસેથી મોબાઇલ અને રોકડા રૂપિયા પડાવી લીધા હતા. જો કે, આ બાબતે યુવતી દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ટેક્નિકલ ટીમ સાથે રાખીને વર્કઆઉટ દરમિયાન આરોપી દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું અને અંતે આરોપીનું લોકેશન ઉત્તર પ્રદેશથી ટ્રેસ થતા આરોપી ચેતનને નોઈડાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે પહેલા 10 માસથી પોલીસથી બચવા માટે અલગ અલગ જગ્યાઓ પર ભાગતો ફરતો હતો. આરોપી છેલ્લા દસ મહિનાથી રાજસ્થાનના જોધપુર, જયપુર, હનુમાનગઢ તેમજ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં રહતો હતો. અલગ અલગ 28 જેટલા સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. સમયાંતરે તે સીમકાર્ડ બદલતો રહેતો હતો જેથી કરીને પોલીસ તેનું લોકેશન ટ્રેસ કરી શકે નહીં પરંતુ અંતે પોલીસે બાતમીના આધારે આરોપી ચેતન બિશ્નોઈને ઝડપી પાડ્યો છે. અગાઉ છ વખત પોલીસની ટીમ આરોપીને પકડવા માટે અલગ અલગ જગ્યા ઉપર રવાના થઈ તપાસ કરી હતી પરંતુ આરોપી શાતિર હોવાના કારણે તે પોલીસથી બચતો ફરતો હતો પરંતુ સાતમી વખત પોલીસને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે.