સુરતના ખાટુ શ્યામજી મંદિરે ફાલ્ગુન મેળાનું આયોજન, ત્રણ દિવસમાં લાખો ભક્તો ભાગ લેશે

અમિત રુપાપરા, સુરતઃ શહેરના વેસુ VIP રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિર ખાતે ફાલ્ગુન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ યોજનારો આ મેળાનો લાભ ચાર લાખ કરતાં વધારે શ્યામભક્તો લેશે. તો ફાલ્ગુન મેળાને લઈને મંદિરને વિશેષ સુશોભન પણ કરવામાં આવ્યું છે. ખાટુ શ્યામ મંદિરનો મોટો તહેવાર ફાલ્ગુન મેળો કહેવાય છે અને તે હોળી પહેલાં ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે, બર્બરિક એટલે કે ખાટુ શ્યામનું મસ્તક ફાલ્ગુન સુદ એકાદશીના દિવસે પ્રગટ થયું હતું એટલા માટે આ ફાલ્ગુન મેળાનું આયોજન કરવામાં આવે છે.

ફાલ્ગુલ મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્યામભક્તો નિશાન યાત્રાના યોજીને ખાટુ શ્યામ મંદિરે પહોંચતા હોય છે અને ભગવાનને ધ્વજ અર્પણ કરતા હોય છે. ખાટુ શ્યામ મંદિર સાથે એક ઇતિહાસ પણ જોડાયેલો છે. તો ખાટુ શ્યામને કળિયુગના દેવ કહેવાય છે. એમને હારે કા સહારાની ઉપમા પણ મળી છે. મહાભારત કાળ દરમિયાન બર્બરિક એટલે ઘટોત્કચના પુત્રનું યોગદાન પાંડવોને યુદ્ધ જીતાવવામાં ખૂબ જ મહત્વનું રહ્યું છે.

બર્બરીક દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે, તેઓ જે પક્ષ હારતો હશે તે પક્ષ બાજુથી યુદ્ધ કરશે. બર્બરીકની આ પ્રતિજ્ઞાને લઈને ભગવાન કૃષ્ણ જાણતા હતા કે બર્બરિક્ષ સૌપ્રથમ પાંડવો પક્ષથી યુદ્ધ કરશે તો કૌરવોનો પક્ષ નબળો પડશે અને ત્યારબાદ બર્બરિક કૌરવ પક્ષ તરફથી યુદ્ધ કરશે તો પાંડવ યુદ્ધ જીતી શકશે નહીં અને પાંડવોની હાર થશે. ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારા બર્બરીકની પરીક્ષા લઈ તેનું માથું દાનમાં માગવામાં આવ્યું હતું અને બર્બરીકે એક ક્ષણિક વારનો વિચાર કર્યા વગર ભગવાન કૃષ્ણને મસ્તક અર્પણ કરી દીધું.

મસ્તક અર્પણ કર્યા બાદ બર્બરિકે ભગવાન કૃષ્ણ પાસે વરદાન માગ્યું કે, તે મહાભારતનું આખુ યુદ્ધ જોવા માગે છે. ભગવાન કૃષ્ણએ ઉંચા સ્થાને બર્બરિકના મસ્તકની સ્થાપના કરી અને બર્બરીકને મહાભારતનું આખુ યુદ્ધ દેખાડ્યું હતું. તો બીજી તરફ બર્બરીકની દાનવીરતાથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણએ વરદાન આપ્યું હતું કે, કળિયુગમાં બર્બરીક મારા નામથી એટલે કે શ્યામ નામથી જાણીતા થશે અને તેમને હારે કા સહારાના નામથી પણ સંબોધવામાં આવશે.