વેસુમાં ગેમ ઝોનના માલિકને ત્યાં GSTના દરોડા, માલિકે નાણા-દાગીના ભરેલી બેગ નીચે ફેંકી

સુરતઃ શહેરના વેસુના ગેમ ઝોનના માલિકના ત્યાં GST ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન માલિકે રોકડા રૂપિયા અને ઘરેણાં ભરેલી બેગ બારીમાંથી નીચે ફેંકી હતી. ત્યારે બેગ બિલ્ડિંગના મેનેજર અને વોચમેને ઉપાડી હતી.
ગેમ ઝોનના માલિકે બેગ લેવા પરિચિત બોની નામના યુવકને મોકલ્યો હતો. તેની સાથે એક મહિલા પણ બેગ લેવા પહોંચી હતી. બેગમાં નાણા ઓછા હોવાને લઈ માલિક અને બોની વચ્ચે માથાકૂટ થઈ હતી. માલિકે પોલીસ કંટ્રોલ રૂમમાં નાણા ચોરી થયાની જાણ કરી હતી.
પોલીસ તપાસમાં ગેમ ઝોનના માલિકે GSTના દરોડા દરમિયાન બેગ ફેંકી હોવાનું બહાર આવ્યું છે. નાણા ભરેલી બેગ બોની નામના વ્યક્તિએ ઉંચકી હતી, તેણે જ પાંચ લાખ કાઢી લીધા હતા. આ મામલો પોલીસ મથકે પહોંચતા મામલો સામે આવ્યો હતો. ત્યારે પોલીસે GST અને IT વિભાગને જાણ કરી હતી.