સુરતમાં 48 કલાકમાં 70 વૃક્ષ પડ્યાં, ફાયરવિભાગ દોડતું થયું
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં મોડી રાતથી પડી રહેલા ભારે પવન સાથેના વરસાદના કારણે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા તોતિંગ વૃક્ષ તૂટી પડતા ફાયર વિભાગ દોડતું થયું હતું. છેલ્લા 48 કલાકમાં ભારે પવન સાથેના વરસાદના કારણે સુરત ફાયર વિભાગને વૃક્ષ ધરાશાયી થવાના કુલ 70 કોલ મળ્યા હતા. જ્યાં ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. અઠવાલાઇન્સ વિસ્તારમાં તૂટી પડેલા તોતિંગ વૃક્ષના કારણે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.
સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેરના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા હતા. તો અનેક વિસ્તારોમાં વૃક્ષ તૂટી પડવાના બનાવ બન્યા હતા. છેલ્લા 48 કલાકમાં સુરત ફાયર વિભાગને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના અંદાજિત 70 જેટલા કોલ મળ્યા હતા. જેના કારણે સુરત ફાયર વિભાગનું તંત્ર સતત દોડતું રહ્યું હતું.
આ પણ વાંચોઃ કુંભારીયા ગામના પાદર ફળિયાના 40 મકાનો ડૂબ્યાં, તંત્ર પાસે મદદની પોકાર
આ વચ્ચે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ચોપાટી નજીક વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ મોડી રાત્રી દરમિયાન જડમૂળથી તૂટી પડતા ફાયરવિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચ્યું હતું અને રાહત કામગીરી હાથ ધરી હતી. આખેઆખું વૃક્ષ જડમૂળમાંથી ઉખડી જતા ફાયર વિભાગ દ્વારા ટ્રીમિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સબનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.