January 16, 2025

સુરતમાં શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અમિત રુપાપરા, સુરતઃ દેશમાં અલગ અલગ જગ્યા ઉપર ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તેના જ કારણે શાકભાજીના ભાવમાં 10થી 60% ટકા સુધીનો ભાવવધારો થયો છે. સુરત એપીએમસીમાં અલગ અલગ રાજ્યમાંથી શાકભાજી વેચાણ અર્થે આવે છે અને ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે અને માગમાં વધારો થયો છે અને તેના કારણે જ શાકભાજીના ભાવ વધ્યા છે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી શાકભાજી માર્કેટ સુરતમાં આવેલી છે. આ શાકભાજી માર્કેટમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી શાકભાજી વેચાણ અર્થે લાવવામાં આવે છે. ત્યારે હાલ દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની પરિસ્થિતિના કારણે મોટી માત્રામાં શાકભાજીને નુકસાન પહોંચ્યું છે. શાકભાજીને આ નુકસાન પહોંચતું હોવાના કારણે શાકભાજીનું ઉત્પાદન ઓછું થયું છે. ઉત્પાદન સામે માગ વધુ થતાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. પાપડી, તુવેર, ચોળી, લીંબુ, આદુ, મરચાં, બટાકા, કોબી, ફ્લાવર, મરચાં સહિતના શાકભાજી ગત મહિનાની તુલનામા 10%થી 60 ટકા સુધી મોંઘા થયા છે.

શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો એક મહિના પહેલાં 20 કિલો પાપડીનો ભાવ 800થી 900 રૂપિયા હતો, તુવેરનો ભાવ 1,000 થી 1,200 હતો, ચોળી 500થી 700, ગીલોળા 400થી 500, ગવાર 1200થી 1400, ધાણા 400થી 500, ફૂદીનો 600થી 400, લીંબુ 1200થી 1500, આદુ લસણ 5000થી 6000, કાંદા 600થી 700, બટાકા 400થી 500, કોબી 200થી 300, ફ્લાવર 300થી 400, મરચા 500થી 600 અને ટામેટા 300થી 400 રૂપિયામાં 20 કિલો મળતા હતા.

હાલ શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો પાપડી 2000થી 4000, તુવેર 1800થી 20000, ચોળી 1200થી 1300, ગિલોળા 1500થી 1600, ગવાર 1200થી 1500, ધાણા 1600થી 2000, ફુદીનો 500થી 600, લીંબુ 1200થી 2200, લસણ 5000થી 7000, કાંદા 750થી 850, બટાકા 500થી 600, કોબી 260થી 400, ફ્લાવર 800થી 1000, મરચાં 850થી 900, ટામેટા 400થી 500 રૂપિયા 20 કિલો મળી રહ્યા છે.

શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાના કારણે ગૃહિણીઓના ઘરના બજેટ ખોરવાઈ ગયા છે. મહત્વની વાત છે કે, એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને તેવામાં હવે શાકભાજીના ભાવ પણ 10%થી 60% સુધી વધતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે રહ્યો છે. હાલ અલગ અલગ રાજ્યમાં ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેને લઈને શાકભાજીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને ભાવવધારો થઈ રહ્યો છે. આગામી થોડા દિવસોમાં જ શાકભાજીનું ઉત્પાદન શરૂ થતાં શાકભાજીના ભાવ ઘટવાની શક્યતાઓ પણ હોલસેલના વેપારી વ્યક્ત કરી રહ્યા છે.