December 23, 2024

સુરતમાં રહેણાંક વિસ્તારમાંથી ઝડપાયું ફટાકડાનું ગોડાઉન, 95 લાખથી વધુનો માલ જપ્ત

સુરતઃ શહેરમાં અવારનવાર ક્રાઇમની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વરાછા વિસ્તારમાંથી પોલીસે રહેણાંક વિસ્તારમાં ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. આ સાથે જ લાખો રૂપિયાના ફટાકડાં પણ કબ્જે કર્યા છે.

સુરતના રહેણાંક વિસ્તારમાં સ્ફોટક ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. વરાછા પોલીસને ઘટનાની જાણ થતાં જ દરોડા પાડ્યા હતા અને ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. બાતમીને આધારે વરાછા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના દરોડામાં 95 લાખથી વધુ રૂપિયાના ફટાકડાં ઝડપી પાડ્યા હતા અને બે સગા ભાઈઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

હાલ પોલીસે આ ગોડાઉનને સીલ મારી દીધું છે. રહેણાંક વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આગની કોઈ ઘટના ન બને તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફટાકડાંનું ગોડાઉન ચલાવતા લોકો પાસે કોઈપણ પ્રકારની પરમિશન નહોતી.