December 22, 2024

સુરતમાં મદરેસાની બિલ્ડિંગમાં ચાલતી બોગસ સ્કૂલ ઝડપાઈ

સુરતઃ ઉન વિસ્તારમાં મદરેસાની બિલ્ડિંગમાંથી બોગસ સ્કૂલ ઝડપાઈ છે. આદર્શ પ્રિ-સ્કૂલ નામે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને સ્કૂલમાં એસએસકે સ્કૂલના એલસી આપવામાં આવતા હતા.

સંચાલકો 1500 રૂપિયા આપી એસએસકે સ્કૂલ પાસેથી એલસી મેળવતા હતા. આદર્શ પ્રિ-સ્કૂલ મદરેસાની બિલ્ડિંગમાં ચાલી રહી છે. આ પ્રિ-સ્કૂલ નાના ઓરડાઓમાં ચાલી રહી છે. તેના પહેલા માળે મદરેસા છે. જ્યારે ત્રીજા માળનો ધંધાકીય હેતુથી ઉપયોગ થઈ રહ્યો છે. ત્રીજા માળે પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે. તેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાનો પણ સવાલ ઊભો થયો છે.

આ સાથે જ એક જ રૂમમાં ક્લાસરૂમ અને આચાર્યની ઓફિસ પણ આવેલી છે. માન્યતા રદ કરવા પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. એસએસકે પબ્લિક એકેડમી વિરૂદ્ધ એક માસ અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ મળી હતી. આ ફરિયાદ સાચી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે શાળાની માન્યતા રદ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી એસએસકે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે.