સુરતનું અનોખું શિવાલય, અહીં ભગવાન શિવને ચડે છે જીવતા કરચલા
અમિત રુપાપરા, સુરતઃ ભગવાન શિવને પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે, પરંતુ સુરતમાં એક એવું મંદિર છે કે, જ્યાં ભગવાન શિવને વર્ષમાં એક વખત બાધા પૂરી કરવા માટે લોકો જીવતા કરચલા અર્પણ કરે છે. આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે અને કાનના રોગથી પીડાતા લોકો વર્ષમાં એકાદશીના દિવસે ભગવાન શિવને જીવતા કરચલા અર્પણ કરી બાધા પૂરી કરે છે.
શહેરના ઉમરા વિસ્તારમાં એક અનોખા મહાદેવનું મંદિર આવેલું છે. સામાન્ય રીતે મહાદેવ પર દૂધ, જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરવામાં આવતો હોય છે. જો કે, સુરતના રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવે છે. મોટા શ્રદ્ધાળુઓ દ્વારા જીવતા કરચલા ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે.
જો કોઇને કાનને લગતી બીમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનનાં રોગ દૂર થાય છે. બદલામાં ભાવિકો દ્વારા કરચલા ચડાવવામાં આવે છે. લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજા-અર્ચના કરતા હોય છે. ઉમરા અને તેની આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં આ મહાદેવના મંદિરે જીવતા કરચલા ચડાવવા માટે આવે છે.
વહેલી સવારથી જ મંદિર બહાર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. જો કે, આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કોઈ વ્યક્તિને કાનની પીડા હોય અને આ પીડામાંથી મુક્તિ માટે તેઓ ભગવાન શિવની બાધા રાખે છે. કાનની પીડામાંથી મુક્તિ મળતાં જ આ લોકો જીવતા કરચલા ભગવાન શિવને અર્પણ કરે છે. મહત્વની વાત છે કે, મંદિર ટ્રસ્ટ દ્વારા આ જીવતા કરચલાઓને સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે.