ઉમરપાડાની સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ બીમારીની ચપેટમાં, જમવાનું ગુણવત્તાસભર ન મળતું હોવાની ફરિયાદ

કિરણસિંહ ગોહિલ, સુરતઃ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ પર વાયરલ ફિવર બીમારીની તવાઈ આવી પડી છે. ઉમરપાડાના વાડી ગામે આવેલી સૈનિક શાળામાં અચાનક એકપછી એક વિદ્યાર્થિની અચાનક બીમાર પડતા ફફડાટ મચી ગયો હતો. છેલ્લા ચાર દિવસથી સૈનિક ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની તબિયત લથડતા 18 જેટલી બાળાઓને ઝંખવાવ અને માંગરોળ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જો કે, એકપછી એક વિદ્યાર્થી બીમાર પડતા સ્થાનિક અને જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. આ વિસ્તારના ધારાસભ્યએ સ્કૂલ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ઉમરપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કૂલ આવેલી છે. સ્કૂલના બાળકો શરદી અને ખાંસીની ઝપેટમાં આવી ગયા છે. આ સૈનિક સ્કૂલમાં 600થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની બીમાર પડતા તમામને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે, શરદી-ખાંસીને સ્કૂલ સંચાલકો સામાન્ય ગણતા આજે સૈનિક સ્કૂલના મોટાભાગના વિદ્યાર્થીઓ શરદી-ખાંસીની ઝપેટમાં આવી જતા સ્કૂલ તંત્ર જાગ્યું હતું અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રને જાણ કરતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
વાડી ગામ નજીક આવેલા સૈનિક શાળામાં એકપછી એક વિદ્યાર્થી બીમાર પડતા જિલ્લા આરોગ્યની અલગ અલગ ટીમ સ્કૂલ ખાતે દોડી આવી વિદ્યાર્થીઓને સારવાર અને દવાનું વિતરણ કર્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીએ વાયરલ ફીવર હોવાનું જણાવ્યું હતું. માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા વાડી ગામના હોવાથી તેઓ પણ સૈનિક સ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને સાંત્વના આપી હતી. ગર્લ્સ હોસ્ટેલ સહિત સ્કૂલની મુલાકાત લઈ આરોગ્ય અધિકારીને સૂચનો આપ્યા હતા. તાત્કાલિક વાયરલ ફિવરમાંથી બાળકો સાજા થાય એવી વાત કરી હતી. એકસાથે શાળાના મોટાભાગના વિદ્યાર્થી બીમાર પડતા બાળકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
સૈનિક શાળાના વિદ્યાર્થીઓને પૂછતાં તેમણે જમવાની ફરિયાદ કરી હતી અને સ્કૂલ મેસમાં જમવાનું ગુણવત્તાસભર ના મળતું હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે સ્કૂલ કેન્ટીનનું રિયાલિટી ચેક કરતા તથ્ય બહાર આવ્યું હતું. ગંદકી અને બાળકોને આપવામાં આવતા ભોજન પર સવાલ ઉઠ્યા હતા. હવે સવાલ એ છે કે, બાળકોને ખરેખર વાયરલ ફિવર થાય છે કે પછી ફૂડ પોઇઝનિંગ. જો કે, જિલ્લા આરોગ્ય અધિકારીએ વાયરલ ફિવર હોવાની વાત કરી હતી અને 18 બાળકોને શરદી-ખાંસીની અસર થતા સારવાર હેઠળ ખસેડાયા હતા.