સુરતના ઉપરપાડાના ગામડામાં ભયનો માહોલ, બે ખેડૂત સહિત વનકર્મી પર હુમલો

કિરણસિંહ ગોહિલ, સુરતઃ જિલ્લામાં દીપડાના હુમલા સતત વધી રહ્યા છે. અગાઉ દીપડો માંગરોળ તાલુકામાં (6 મહિનામાં )એક બાળક, એક વૃદ્ધા સહિત ત્રણ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. ત્યારે ફરી એકવાર ઉમરપાડા તાલુકાના આમલીદાબડા ગામે દીપડો બે ખેડૂત સહિત એક વનકર્મી પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો. જો કે, દીપડાના હુમલા બાદ હવે વનવિભાગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.
સુરત જિલ્લાના મહુવા, બારડોલી, માંગરોળ, ઉમરપાડા, માંડવી જેવા તાલુકામાં દીપડા દેખાવવા સામાન્ય બાબત બની ગઈ છે. તેમાંય મહુવા, માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકામાં દીપડાના હુમલા સતત વધી રહ્યા છે. માંડવી તાલુકામાં શ્રમજીવી બાળકો, વૃદ્ધોએ દીપડાના હુમલામાં અગાઉ જીવ ગુમાવ્યા છે. માંગરોળ તાલુકાની પણ આ જ પરિસ્થિતિ છે. ત્યારે હવે ઉમરપાડાના આમલી દાબડા ગામે દીપડાએ ઘાસ કાપતા ખેડૂત પર હુમલો કર્યો હતો. ખેડૂતે પણ જીવ બચાવવા કદાવર દિપડા સામે બાથ ભીડી હતી. દીપડો ખેડૂતના ગળે તરાપ મારે એ પહેલા ખેડૂત પરિવાર હાથમાં લાકડાં લઈ દોડી આવી બૂમાબૂમ કરતા દીપડાએ ખેડૂતને છોડીને મદદે આવેલા લોકો સામે પણ તરાપ મારી હતી. દીપડાના હુમલામાં ત્રણ લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. જો કે, દીપડાના હુમલાના સમાચાર મળતા વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉમરપાડા ભાજપ સંગઠનના પ્રમુખ પણ આમલીદાબડા ગામે દોડી આવી ખેડૂત પરિવારને મળ્યા હતા.
આમલીદાબડા ગામના ખેડૂત પર હુમલો કર્યા બાદ પણ દીપડો ઝાડીમાં ભરાયો હતો. જો કે, વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઝાડીમાં લાકડા મારતા કદાવર દીપડો ઝાડીમાંથી પ્રચંડ અવાજ સાથે બહાર આવી વન વિભાગની ટીમ પર ત્રાટક્યો હતો. જો કે, વનકર્મીઓને સામાન્ય ઇજા થઈ હતી. દીપડાના હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. અચાનક દીપડાના હુમલાથી ગભરાયેલા ગ્રામજનોમાં ડર જોવા મળ્યો હતો. જો કે, માજી સરપંચ અને વન વિભાગની ટીમ દીપડાને પાંજરે પકડવા દીપડા પાછળ દોડ લગાવી હતી. જો કે, દીપડો મકાઈના ખેતરમાં ઘુસી ગયો હતો.
વન વિભાગની ટીમ સાથે જોડાયેલા ગામના લોકો પણ મકાઈના ખેતરમાં ઘુસી જતા મકાઈના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. જો કે, મહેશભાઈ વસાવાના જણાવ્યા અનુસાર, દીપડો મકાઈના ખેતરમાંથી અચાનક સામે આવી જતા બધા ડરી ગયા હતા. પરંતુ કાળું નામના પાળેલા શ્વાને દીપડા સાથે બાથ ભીડતા દીપડો જીવ લઈને ભાગ્યો હતો. અન્ય ખેડૂતો પર દીપડાનો હુમલો થતા થતા રહી ગયો હતો. દીપડાના હુમલાની ઘટના બાદ વન વિભાગ કોઈપણ પ્રતિક્રિયા આપવા તૈયાર નોહતું. જો કે, આ વિસ્તારના સ્થાનિક આગેવાનોએ વન વિભાગ અને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
સામાન્ય રીતે દીપડાના હુમલામાં કોઈનું મોત થાય તો વનવિભાગ ચાર લાખ રૂપિયા વળતર મૃતક પરિવારને ચૂકવે છે. ત્યારે સવાલ એ થાય માણસ મોટો કે જાનવર. દીપડાની સુરક્ષા કરવી બધાની જવાબદારી છે. પણ એનો મતલબ એ નથી કે, આમ જ જાનવર નિર્દોષ પર હુમલા કર્યા કરે. સાઉથ આફ્રિકાના જંગલમાં હિંસક જાનવરના ગળામાં ચિપ લગાવવામાં આવે છે. જેનાથી જાનવરનું લોકેશન મળી રહે. આવું જ કંઈ સુરત જિલ્લામાં પણ વનવિભાગ દ્વારા દીપડાના ગળામાં ચિપ લગાવી દીપડાને છૂટો મુકવામાં આવ્યો હતો. ચિપના કારણે દીપડાની ગતિવિધિ ખબર પડે દીપડો શહેર કે ગામડા તરફ આગળ વધે ત્યારે વનવિભાગને સાચું લોકેશન દીપડાનું હોવાથી માનવી અને દીપડાનું ઘર્ષણ તાળી શકાય છે.
સ્થાનિક આગેવાનો એ તો વનવિભાગ પર એવા આક્ષેપ કર્યા હતા કે, આ વિસ્તારમાંથી દીપડા પકડાઈ એ નજીકમાં છોડી મુકવામાં આવે છે અને તેનું લોકેશન પણ ખોટું બતાવાવમાં આવે છે. હાલમાં જે દીપડાને ચિપ લગાવી છોડવામાં આવ્યો હતો એ દીપડો હાલ ક્યાં વિસ્તારમાં છે કે પછી ગાયબ છે એ દિશામાં પણ વન પર્યાવરણ મંત્રી એ નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. સુરત જિલ્લામાં દીપડાના હુમલા સતત વધી રહ્યા છે, એ ચિંતાજનક છે. સામાન્ય બકરાં, મરઘાં કે પછી પશુઓના દીપડા દ્વારા મારણ કરવામાં આવે છે, એનું વળતળ પણ વનવિભાગ દ્વારા ચૂકવામાં આવતું નથી. ત્યારે આવા ખૂંખાર દીપડા માનવભક્ષી બને ત્યારે તેને પકડી આજીવન પાંજરે રાખવો જોઈએ. આવું જ કઈ ઉમરપાડાના આમલીદાબડા ગામમાં થયું છે. કદાવર દીપડો નરભક્ષી બને એ પહેલા વનવિભાગે આળસ ખંખેરી હુમલાખોર દીપડાને પકડી પાડવો જોઈએ.