July 2, 2024

Surat પોલીસે ATM તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ કરનારા 2 આરોપીને ઝડપી પાડ્યા

અમિત રુપાપરા, સુરતઃ શહેરની ઉધના પોલીસને બેંકના એટીએમ તોડીને એટીએમમાંથી પૈસા ચોરી કરવાની કોશિશ કરતા ઇસમોને ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ઉધના પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી લોખંડની છીણી, સ્ક્રૂ ડ્રાઇવર અને એક મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એટીએમ તોડીને બે ઈસમો દ્વારા પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉધના બસ સ્ટેશન પાસે આવેલા મુગત ડાઇંગ શોપિંગ સેન્ટરની દુકાન નંબર 2માં એક્સિસ બેન્કનું એટીએમ આવેલું છે. આ બેંકના એટીએમને બે ઈસમો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એટીએમ તોડીને તેમાંથી પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, બેઇસમો એટીએમમાં ઘૂસે છે અને ત્યારબાદ એકબીજાની મદદગારીથી એટીએમમાં તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ એટીએમમાંથી પૈસા ન નીકળતા બંને ઈસમો ભાગી જાય છે. આ ઘટનાને લઈને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

ઉધના પોલીસની ટીમે બાતમીના આધારે એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનારા શોહેબ ઉર્ફે સોએબ કાદર શેખ અને હુસેન મોમીનની ધરપકડ કરી છે. આ બંને ઈસમો પાસેથી લોખંડની છીણી એક સ્ક્રૂ ડ્રાઇવર તેમજ 40,000ની કિંમતનું એક મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું છે. તો આરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે, સોહેબ સામે અગાઉ પણ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે આ બંને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.