January 24, 2025

સુરત ટ્રાફિક વિભાગના ASI લાંચ લેતા ઝડપાયા, ACBની કાર્યવાહી

અમિત રુપાપરા, સુરતઃ કોઈપણ સરકારી કામ કરાવવું હોય અથવા તો સરકારી અધિકારીથી બચવું હોય તો નાગરિકોને પૈસા રૂપી મલાઈ અધિકારીઓને ખવડાવી પડે છે. ત્યારે આ પૈસાની મીઠી મલાઈ ખાવાના ચક્કરમાં સુરત ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ASI એન્ટિકરપ્શન બ્યૂરોના છટકામાં ઝડપાયા છે. એસીબી દ્વારા ટ્રાફિક ASI વિજય ચૌધરી અને ટ્રાફિક ASI વતી લાંચ લેનાર વચેટીયા સંજય પાટીલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં એક તરફ વાહનચાલકો પાસે ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ કરાવવામાં આવે છે અને નિયમ ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડની પણ વસૂલાત કરવામાં આવે છે. પરંતુ નિયમ ભંગ કરતા વાહનચાલકો પાસેથી માસિક હપ્તાની માગણી કરતો ટ્રાફિક વિભાગનો ASI અને તેનો વચેટીયો એન્ટિકરપ્શન બ્યૂરોના હાથે ઝડપાયો છે.

સુરતના ટ્રાફિક રિજિયન 2માં ASI વિજય છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે. વિજય ચૌધરી દ્વારા રિજિયનમાંથી પસાર થતા ટેમ્પાચાલકો પાસેથી દંડ નહીં કરવા માટે એક ટેમ્પો દીઠ મહિનાના 1000 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ બાબતે ટેમ્પો એસોસિએશન દ્વારા એન્ટિકરપ્શન બ્યૂરોને ફરિયાદ કરવામાં આવી હતી. ઓનલાઇન ફરિયાદ થયા બાદ એન્ટિકરપ્શન બ્યૂરો દ્વારા બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વિજય ચૌધરી ટ્રાફિક ASI છે, તેને ટેમ્પો એસોસિયનના વ્યક્તિ પાસેથી 100 ટેમ્પોના 1000 રૂપિયા લેખે એક લાખ રૂપિયાની રકમની માગણી કરી હતી.

1 લાખ રૂપિયાની રકમ આપવા માટે વિજય ચૌધરીએ ટેમ્પો એસોસિયનના વ્યક્તિને ઉધના ઉદ્યોગ નગર પાસે બોલાવ્યો હતો. ત્યાં એન્ટિકરપ્શન બ્યૂરો દ્વારા અગાઉથી જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રાફિક વિભાગના ASI વિજય ચૌધરી દ્વારા લાંચના રૂપિયા લેવા માટે તેના સાગરીત સંજય પાટીલને મોકલવામાં આવ્યો હતો અને સંજય પાટીલે લાંચ સ્વીકારીને વિજય ચૌધરીને ફોન કરતા જ એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા સંજય પાટીલને પકડી લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ તાત્કાલિક બીજી ટીમને માહિતી આપીને ASI વિજય ચૌધરીને પણ પકડવામાં આવ્યો હતો. આ ઉપરાંત બંને પાસેથી લાંચમાં લીધેલી 1 લાખ રૂપિયાની રકમ અને બે મોબાઈલ સહિતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. ASI વિજય ચૌધરી અને વચેટીયા સંજયની ધરપકડ બાદ એન્ટિકરપ્શન વિરોધ દ્વારા આગામી દિવસોમાં આ બાબતે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે અને જરૂર પડે તો એ
એસઆઈની સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે.