સુરતના ટેક્સટાઇલ માર્કેટનો વીડિયો વાયરલ, ફાગોત્સવના નામે અશ્લીલ નાચગાન થતા વેપારીઓમાં નારાજગી

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ફાગોત્સવના નામે અશ્લીલ નાચગાનનો વીડિયો વાયરલ થયો છે. વેપારીઓએ ઠુમકા લગાવતી યુવતીઓ પર નોટોનો વરસાદ કર્યો હતો. સુરતમાં કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણીના અશ્લીલ કાર્યક્રમોનું આયોજન કરાતા વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે. ફાગોત્સવની ઉજવણીના નામે ફક્ત અશ્લીલતા દર્શાવતો એકથી વધુ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે.

શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ ઉજવણી નહીં કરવા નક્કી કર્યું હતું. છતાં કેટલાક વેપારીઓએ અશ્લીલ ડાન્સનું આયોજન કરતા વીડિયો વાયરલ થયો હતો. ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટાના અધ્યક્ષ દ્વારા આ બાબતને વખોડવામાં આવી અને જણાવ્યું કે, ફાગોત્સવમાં નાચગાન થાય છે પણ તેની પણ એક મર્યાદા છે, અશ્લીલતા સાથેની ઉજવણી સભ્ય સમાજ માટે ખૂબ હાનિકારક છે.

હોળી ધુળેટીના તહેવારની ઉજવણી રાજસ્થાની સમાજના લોકો ખૂબ જ ધામધૂમપૂર્વક કરતા હોય છે. રાજસ્થાનમાં નાચગાન કરીને હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાં પણ અલગ અલગ જગ્યાઓ પર ફાગોત્સવના આયોજનો કરવામાં આવે છે અને તેમાં યુવકો યુવતી બનીને નાચગાન કરીને આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે. ત્યારે સુરતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફાગોત્સવના નામે અશ્લીલતાના નાચ ગાન કરવામાં આવી રહ્યા છે.

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની હતી અને વેપારીઓને કરોડોનું નુકસાન થયું હતું. ત્યારબાદ સુરતના વેપારી એસોસિએશન તેમજ વેપારીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, કોઈપણ વેપારી આ વર્ષે ફાગોત્સવનું આયોજન ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં કરશે નહીં અને ફાગોત્સવના આયોજનમાં જે પણ રકમ વપરાય તે રકમનું અનુદાન શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓ માટે એકઠા કરવામાં આવતા રીલીફ ફન્ડમાં કરવાનું રહેશે. હાલ કોઈ ટેક્સટાઇલ માર્કેટની અંદર ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં ફાગોત્સવના નામે અશ્લીલતા દર્શાવવામાં આવી હતી.

જેમાં ડાન્સરો દ્વારા અશ્લીલ ઈશારાઓ સાથે ડાન્સ કરવામાં આવ્યો હતો અને કેટલાક વેપારીઓ દ્વારા આ ડાન્સર ઉપર પૈસાનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ બીજો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં એક આધેડ ડાન્સર સાથે ઠુમકા લગાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારના વીડિયોને લઈને ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટાના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને આ બાબતને સખત શબ્દોમાં વખળવામાં આવી હતી અને તેમને જણાવ્યું હતું કે આ સભ્ય સમાજ માટે હાનિકારક છે.

ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે કઈ ટેક્સ્ટાઇલ માર્કેટનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ જે પ્રકારનો આ વીડિયો છે તે સભ્ય સમાજ માટે હાનિકારક બાબત છે. રાજસ્થાની માટે ફાગોત્સવ ખૂબ મહત્વનો તહેવાર છે અને આ તહેવારની ઉજવણી લોકોના નાચગાન કરીને કરતા હોય છે પરંતુ ફાગોત્સવની ઉજવણીમાં જરા પણ અશ્લીલતા ચલાવી લેવાય નહીં. કારણ કે, આ તહેવારની પણ એક મર્યાદા છે અને મર્યાદા સાથે તહેવાર મનાવવો જોઈએ.