December 18, 2024

તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારોની ‘કોંગ્રેસ ન્યાય યાત્રા’માં જોડાવવાની ચોખ્ખી ‘ના’

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં પાંચ વર્ષ પહેલાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી. આ ઘટનામાં 22 બાળકોનાં મોત થયા હતા. આ ઘટના પાછળ જવાબદાર લોકોને કડકમાં કડક સજા થાય તે માટે આજે પણ ન્યાય પ્રક્રિયા અંતર્ગત તમામ બાળકોના પરિવારના સભ્યો કોર્ટમાં કેસ લડી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરવાના હોવાથી આ પીડિત પરિવારનો સંપર્ક કરી તેમને આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમને ન્યાય યાત્રાના આમંત્રણનો અસ્વીકાર કરીને પીડિત પરિવારોએ જણાવ્યું હતું કે, જો અમને મદદ કરવી હોય તો કોર્ટ કેસમાં મદદ કરે. આ કેસ કઈ રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જાય અને ઝડપથી ન્યાય મળે તે રીતે અમને મદદ કરે. રસ્તા પર રેલીઓ કરીને અમને ન્યાય મળવાનો નથી અને એટલા માટે જ અમે કોઈ પણ રાજકીય પક્ષના હાથા બનવા માગતા નથી. સરકારને પણ અપીલ છે કે, તેમની પાસે ઘણી સત્તા છે, સત્તાની રુએ આ કેસમાં અમને ઝડપથી ન્યાય મળે તે માટે મદદ કરવામાં આવે.

રાજ્યમાં કોઈ પણ જગ્યા પર મોટી દુર્ઘટના થાય તો આ દુર્ઘટના પર રાજકારણ શરૂ થઈ જાય છે. ત્યારે સુરતમાં પાંચ વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી અને અગ્નિકાંડની ઘટનામાં 22 માસુમ બાળકોએ પોતાનું જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ બાળકોના મોત પાછળ જવાબદાર અધિકારીઓને કડકમાં કડક સજા થાય તે માટે તમામ બાળકોના પરિવારના સભ્યો કોર્ટમાં પોતાની લડાઈ લડી રહ્યા છે.

આ પણ વાંચોઃ શિક્ષક અમેરિકામાં, શાળામાં બાળકો રઝળ્યાં; આચાર્યનો ગંભીર આક્ષેપ

ગુજરાતમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા યોજવાના હોવાથી તક્ષશિલા અગ્નિકાંડના પરિવારને અન્યાય યાત્રામાં જોડાવાથી ન્યાય મળશે તેવી વાત કરીને યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ પીડિત પરિવારો દ્વારા રાજકીય પક્ષનો હાથો ન બનવા માગતા હોવાથી આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.

આ પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં આ ઘટના બની હતી અને પાંચ વર્ષ થયા હોવા છતાં પણ હજુ પણ એકપણ રાજકીય પક્ષને અમે સમર્થન આપ્યું નથી. જો કોઈ પણ રાજકીય પક્ષ એમને સમર્થન આપવા માંગતો હોય તો હાલ કોર્ટમાં અમારો કેસ ચાલી રહ્યો છે. તેમાં ન્યાય પ્રણાલીમાં કઈ રીતે ઝડપથી ચુકાદો આવે તે માટે અમને મદદરૂપ થઈ અમને સહકાર આપે. રસ્તા પર ન્યાય યાત્રા કરીને કોઈ ન્યાય મળવાનો નથી. ન્યાય મળતો હોત તો અમે રોજ સુરતમાં રેલીનું આયોજન કરીને ગાંધીનગર સુધી વિરોધ કર્યો હોત પરંતુ અમને ખબર છે કે કોર્ટ પ્રણાલીમાં આ પ્રકારે ન્યાય નથી મળતો અને એટલા માટે જ અમે ન્યાય યાત્રાને સમર્થન નથી આપતા.

પીડિત પરિવારના સભ્યો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને પાંચ વર્ષ થયા અને એ પછી પણ રાહુલ ગાંધી પાંચ વખત દક્ષિણ ગુજરાતમાં આવી ગયા. આ ઉપરાંત સુરત કોર્ટમાં હાજરી આપવા પણ તેઓ આવ્યા હતા. તે સમયે તેમને પીડિત પરિવારો ન દેખાયા? પરંતુ હવે જ્યારે રાજકીય રોટલા શેકવાની વાત હોય ત્યારે પીડિત પરિવાર યાદ આવે છે અને એટલા માટે જ અમે કોઈ રાજકીય પક્ષનો હાથો બનવા માગતા નથી. જો ખરેખર અમને મદદ કરવી હોય તો સરકાર અને વિપક્ષ બંને સાથે મળીને એવો મજબૂત કાયદો બનાવે કે આવી દુર્ઘટના જવાબદારોને ઉંમરકેદથી લઈને ફાંસી સુધીની સજા થાય અને જો ખરેખર અમને કોઈ રાજ્ય પક્ષ મદદ કરવા માગતો હોય તો કોર્ટમાં કઈ રીતે આ કેસ ઝડપથી ચાલી શકે તે બાબતની અમને મદદ કરે.

બીજી તરફ પીડિત પરિવારો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા મૃતક પરિવારના બાળકો માટે તેમનું સ્મૃતિ ભવન બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ આ કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કામને મનપા કમિશનર ગતિ આપે અને ઝડપથી આ કામ પૂરું થાય તેવી આશા તંત્ર પાસે અમે રાખીએ છીએ. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને સંબોધતા પરિવારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર પાસે ઘણી સત્તા હોય છે અને આ સત્તાનો ઉપયોગ કરીને સરકાર જો અમને આ કેસમાં મદદ કરે તો આ કેસ ઝડપથી ચાલી છે અને અમને ઝડપથી ન્યાય મળી રહેશે. અમે પાંચ વર્ષમાં એક પણ પક્ષનો રાજકીય હાથો બન્યા નથી અને આગામી દિવસોમાં પણ અમે રાજકીય પક્ષોનો હાથો બનવા માગતા નથી. અમને માત્ર ન્યાય જોઈએ છે અને ન્યાય માટે જ અમે છેલ્લા પાંચ વર્ષથી ન્યાયપાલિકામાં લડત ચલાવી રહ્યા છીએ.