December 26, 2024

સુરતમાં વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યાં, 5 વર્ષમાં 45 હજાર બાળકોએ ખાનગી શાળા છોડી

Surat students goes to government school and 45 thousand student left private school

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં હવે વાલીઓ બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા તરફ આગળ વધી રહ્યા છે. વધતી જતી મોંઘવારી અને મોંઘા થતા શિક્ષણને લઈને હવે વાલીઓની પહેલી પસંદગી સરકારી શાળા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં 47,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેનું મુખ્ય કારણ સરકારી શિક્ષણમાં આવેલો સુધારો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

https://twitter.com/NewsCapitalGJ/status/1777343823137624480

વર્તમાન સમયમાં મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીની સાથે શિક્ષણ પણ મોંઘુ થઈ રહ્યું છે. ત્યારે સતત વધતી મોંઘવારી અને મોંઘા શિક્ષણને લઈને વાલીઓ બાળકને સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનું પસંદ કરી રહ્યા છે. કેટલાક વર્ષોથી સરકારી શાળામાં આવેલા બદલાવો અને સરકારે શિક્ષણ ખાનગી શાળા જેવું જ થયું હોવાને લઈને હવે પૈસાદાર ઘરના લોકો પણ બાળકનું સરકારી શાળામાં અભ્યાસ માટે એડમિશન કરાવી રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ લોકો બાળકોને ખાનગી શાળાઓમાંથી સરકારી શાળા તરફ અભ્યાસ કરાવવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો સુરતમાંથી જ 47 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી એડમિશન રદ કરાવી સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ દાહોદની લોકસભા બેઠકનું સરવૈયું, છેલ્લી બે લોકસભા બેઠકમાં નોટામાં હજારો મત

છેલ્લા 5 વર્ષની આંકડાકીય માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સુરતમાં 358 જેટલી શાળાઓ આવેલી છે. જેમાં અત્યાર સુધીમાં 48,778 વિદ્યાર્થીઓએ છેલ્લા 5 વર્ષમાં એડમિશન મેળવ્યું છે. આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો શૈક્ષણિક વર્ષ 2019-20માં 5,814, વર્ષ 2020-21માં 7,051, વર્ષ 2021-22માં 13,673, વર્ષ 2022-23માં 9,871 અને વર્ષ 2023-24માં 12,369 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાનો અભ્યાસ છોડીને સરકારી શાળામાં એડમિશન મેળવ્યું છે.

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી

મહત્વની વાત છે કે, શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પણ અત્યારથી જ એડમિશન માટે વાલીઓ શાળામાં પહોંચી રહ્યા છે. ત્યારે 24 એપ્રિલ સુધી સરકારી શાળામાં વિદ્યાર્થીઓના એડમિશન માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ ડ્રોના આધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં એડમિશન આપવામાં આવશે. ત્યારે સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સુરત મનપાની શાળા નંબર 334 અને 346માં એડમિશન માટે વાલીઓની લાંબી લાઈનો જોવા મળી હતી અને આગામી 24 એપ્રિલ સુધી આ જ પ્રકારે શહેરની અલગ-અલગ સરકારી શાળાઓમાં એડમિશન માટે લોકોની લાઈનો જોવા મળશે.

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, લોકો હવે સરકારે શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે, ખાનગી શાળાની જેમ જ સરકારી શાળામાં પણ કોમ્પ્યુટર લેબથી લઈને આધુનિક ક્લાસ સુધીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકોને રમતગમત માટે શાળાઓમાં મોટા મેદાનો પણ આપવામાં આવી રહ્યા છે અને શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ જ સારી રીતે ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખાનગી શાળાની તુલનામાં સરકારી શાળાઓમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરેલા શિક્ષકોને ડિગ્રી આધારે સિલેક્ટ કરવામાં આવ્યા હોય છે. જો કે, ખાનગી શાળાઓમાં ઘણી જગ્યા ઉપર લાયકાત વગરના શિક્ષકો હોવાથી પણ વાલીઓની પહેલી પસંદગી હવે સરકારી શાળા થઈ રહી છે.