આયુર્વેદિક દવાના નામે નશાકારક ગોળીનો વેપલો, સુરત SOGએ એકની ધરપકડ કરી
સુરતઃ શહેરમાં બોગસ માર્કશીટ, બોગસ ઘી બાદ હવે આયુર્વેદિક દવાના નામે નશાકારક ગોળીઓની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે. એસઓજીએ દરોડા પાડીને નશાકારક ગોળીઓના વેપારનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ એક આરોપીની અટકાયત કરી છે.
સુરત SOGએ આયુર્વેદિક દવાના નામે નશાકારક ગોળીઓની હેરાફેરીનો વેપલો ઝડપી પાડ્યો છે. એસઓજીએ દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 66,560 જેટલી નાશાકારક ગોળીઓ ઝડપાઈ હતી. એસઓજીએ કુલ 6.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
SOGએ ગોડાદરા મંગલ પાંડે હોલની બાજુમાંથી પસાર થતા ટેમ્પામાં તપાસ કરી હતી. ત્યારે ટેમ્પામાં તપાસ દરમિયાન તરંગ નામની આયુર્વેદિક નશાકારક ગોળીઓ મળી હતી. આ મામલે ટેમ્પાના ડ્રાઇવર ચંદુ લાઠીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કે, આયુર્વેદિક ગોળીઓ ઔષધીથી બનાવી નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે.
આરોપી પૈસાની લાલચમાં આવીને ગોળીઓનું કરિયાણાની દુકાન પર વેચાણ કરતો હતો. ત્યારે આ મામલે ગોડાદરા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.