સુરત SOGની મોટી કાર્યવાહી, એક કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નસીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે SOGને એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે. જો કે, આરોપીઓ પોલીસના હાથે લાગ્યા નથી, પરંતુ એસોજીને 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. આ સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઈક પણ જપ્ત કર્યું છે. આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ અને મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલ ગેટ લાલમીયા મસ્જિદ પાસે બે ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની બાતમી એસોજીને મળી હતી. ત્યારે એસઓજીએ બાતમીના આધારે ઘટનાસ્થળ પર વોચ રાખી હતી.
તે દરમિયાન આરોપી મોહમ્મદ કાશીફ ઉર્ફે પશીના શેખ પોતાના મોપેડ પર પ્રતિબંધિત 1 કિલો એમડી ડ્રગ્સ હતું અને તેના કુલ મુદ્દામાલની રકમ એક કરોડ રૂપિયા થવા પામે છે. તે આરોપી શહેબાઝ ખાનને આપવા માટે જતો હતો. તે સમયે પોલીસને જોતાં જ આ ઈસમે એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ રસ્તા પર ફેંકી દીધુ હતું અને ત્યારબાદ પોતે ભાગી ગયો હતો. ત્યારે પોલીસે એક બર્ગ મેન અને એક સ્પ્લેન્ડર બાઈક સાથે 1 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ ઉર્ફે પશીના શેખ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 1,02,30,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.