December 28, 2024

સુરતની સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન

અમિત રુપાપરા, સુરતઃ મહાનગરપાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂપિયા 32 કરોડથી વધુના ખર્ચે સાકાર થયેલી પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું ઉદ્ઘાટન કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે, પાલિકાએ શહેરના વિકાસ અને પ્રગતિમાં અનેક રેકોર્ડ સર કર્યા છે. સુરતમાં સૌપ્રથમ વખત પાલિકા દ્વારા ગ્રાઉન્ડ પ્લસ 16 માળની અધતન સુવિધા સાથેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓના સુવિધાર્થે આ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું.

સુરત મહાનગરપાલિકા શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વર્ષોથી કટિબદ્ધ તથા સતત પ્રયત્નશીલ છે. શહેરના નાગરિકોને ઉચ્ચ કક્ષાાની સુવિધાઓ નજીવા ખર્ચે ઉપલબ્ધ કરાવી શકાય તથા તમામ નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકે તેવા ઉમદા હેતુથી વર્ષ 2004માં 1500 ઓપીડીની ક્ષમતા ધરાવતી સ્મીમેર હોસ્પિટલ તથા તેને આનુસંગિક વાર્ષિક 100 અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો ઈન્ટેક ધરાવતી કોલેજ કાર્યરત કરવામાં આવી હતી. છેલ્લા 20થી વધુ વર્ષોંથી શહેરના નાગરિકોની સેવામાં કાર્યશીલ છે. સમય સાથે વધતા જતા દર્દીઓના ધસારા તેમજ સમયાંતરે ઉપલબ્ધ કરાવવામાં આવતા નવા ઈન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય સુવિધાઓને કારણે સ્મીમેર હોસ્પિટલમાં સ્પેસ્યલાઈઝડ ડિપાર્ટમેન્ટસ જેવા કે, સર્જરી, રેડીયોલોજી, ઓર્થોપેડિક, ગાયનેક, ઓપ્થેલ્મોલોજી વિગેરે કાર્યરત થયા છે.

આ ડિપાર્ટમેન્ટસ કાર્યરત થવાથી તેને આનુસંગિક પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસ માટેની સીટ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પોસ્ટ ગ્રેજયુએશનની સીટમાં પણ તબકકાવાર વધારો થતા હાલના તબકકે સ્મીમેરમાં વાર્ષિક ધોરણે કુલ 172 જેટલા પોસ્ટ ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન મુજબ પીજીના વિદ્યાર્થીઓને ઓન કેમ્પસ એકોમોડેશન ઉપલબ્ધ કરાવવું ફરજિયાત છે. જેથી હાલની તથા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને લઈને સ્મીમેર કેમ્પસ ખાતે જ પીજી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી છે. જે G+16 માળની આ હોસ્ટેલનું ઉદ્ઘાટન કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ હોસ્ટેલની બિલ્ડિંગમાં દરેક માળ પર 12 રૂમ થઈને કુલ 192 રૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક રૂમ એટેચ્ડ બાથરૂમ, પેન્ટ્રી જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ 2 નંગ સિંગલ બેડ, 2 નંગ સાઈડ ટેબલ્સ, સ્ટડી ટેબલ્સ તથા કબાટ જેવા આવશ્યક ફર્નીચરથી સુસજ્જ છે.

તદુપરાંત વસવાટ કરનારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અદ્યતન ફાયર સેફટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. ફાયર સેફટીના નિયમો ધ્યાને લઈને કુલ 3 જેટલા રેફ્યૂજ એરીયા પણ બનાવવામાં આવ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હળવી પળોનો આનંદ માણી શકે તે માટે હોસ્ટેલ કેમ્પસમાં જ 300 ચોમીથી વધુ વિસ્તારનો ગાર્ડન અને ગ્રીન સ્પેસ પણ બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રાપ્ત થયેલ ગ્રાન્ટમાંથી કુલ 32.07 કરોડના ખર્ચે નિમાર્ણ કરવામાં આવેલી આ હોસ્ટેલ બિલ્ડિંગનું કુલ 32 માસના ટૂંકા સમયગાળામાં તૈયાર કરી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પીજી હોસ્ટેલમાં લોકાર્પણ અને ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા એ સેવાકીય પ્રવૃતિઓ અને વિકાસમાં રેકોર્ડ કર્યો છે. સ્મીમેરના હોસ્પિટલમાં 45 મીટર ઊંચી પહેલી વખત 192 રૂમની ઈમારત બનાવવામાં આવી. જેમાં મેડિકલના 400 જેટલા વિદ્યાર્થીઓના રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. જે રૂમો બનાવવામાં આવ્યા છે, તે ગુણવત્તા યુક્ત છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન પાઠવું છું. પાલિકાએ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સેવા કરવાનું કાર્ય કર્યું છે. સૌ કોર્પોરેટરોને પણ હું અભિનંદન આપું છું. ઘણા મક્કમતાથી આ નિર્ણય પાલિકાએ લીધો. તમામની આગેવાનીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. સુંદર, સુદ્દઢ અને સ્વચ્છ પ્રોજેક્ટ માટે હું અભિનંદન આપું છું. સ્મીમેરમાં રોજના 3 હજાર દર્દીઓ સારવાર અર્થે આવતા હોય ત્યારે તેમની સુવિધા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રધાનમંત્રીના કેચ ધ રેઇન માટેની વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે. 16 માળની ઈમારત તૈયાર કરવામાં આવી, જે રૂમમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે.

વધુમાં મેડિકલના વિદ્યાર્થીઓને તમામ પ્રકારની વ્યવસ્થાઓ રૂમમાં મળી રહે તે માટે ધ્યાન આપવામાં આવ્યું. આ પ્રથમ બિલ્ડિંગ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે. જે બદલ હું અભિનંદન પાઠવું છું. અહીં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંનું પાણી ક્યાંય બહાર ન જાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવનારી પેઢીના ભવિષ્ય માટે આ નિર્ણય મહત્વનો છે.