NewsCapital Reality Check: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં જન ઔષધી કેન્દ્ર હોવા છતાં દર્દીઓ ખાનગી મેડકલ સ્ટોરમાંથી દવા લેવા મજબૂર

અમિત રુપાપરા, સુરતઃ શહેરની સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવે છે. ત્યારે ફરી એક વખત ખાનગી મેડિકલ સ્ટોર અને જન ઔષધી કેન્દ્રને લઈને આ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યારે સારવાર લેવા જતા હોય ત્યારે એક જ દુકાનમાં એક જ ઇજારદાર દ્વારા ખાનગી મેડિકલ અને જન ઔષધી કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. જેથી જન ઔષધી કેન્દ્રમાંથી જેનેરીક દવા ગરીબ લોકોને દવા આપવામાં આવતી નથી અને ખાનગી હોસ્પિટલમાંથી આ દવા ખરીદવાનું કહેવામાં આવે છે.

આ કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોસ્પિટલમાં સારવાર માટે જાય છે. તેમને મેડિકલમાંથી મોંઘી દવા લેવી પડે છે. ન્યુઝ કેપિટલે આ બાબતે હોસ્પિટલ સમિતિ ચેરમેનનું ધ્યાન દોરતા એજન્સીને આ કૃત્ય બંધ નહીં થાય તો કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ સ્મિમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને એજન્સીને નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ વ્યારાની સિવિલ હોસ્પિટલનું તંત્ર લથડ્યું! દર્દીઓને ભારે અગવડતા

સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં ખાનગી મેડિકલ તેમજ જન ઔષધી કેન્દ્ર ધરાવનારા કોન્ટ્રાક્ટર દ્વારા ગરીબ લોકોને જેનેરીક દવા આપવાના બદલે ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા મજબૂર કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ ન્યુઝ કેપિટલ દ્વારા હોસ્પિટલ ખાતે આ બાબતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ન્યુઝ કેપિટલના કેમેરામાં પણ એ દ્રશ્યો કેદ થયા છે કે, જેમાં ખાનગી મેડિકલ સંચાલક કઈ રીતે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. એક તરફ જન ઔષધી કેન્દ્ર અને બીજી તરફ ખાનગી મેડિકલ સ્ટોર અને બંને એક જ દુકાનમાં ચલાવવામાં આવી રહ્યા છે.

ગરીબ લોકો જન ઔષધી કેન્દ્ર પર જેનેરીક દવા લેવા જાય તો દવાનો સ્ટોક હજાર છતાં સંચાલક દ્વારા દર્દીઓને પોતાની પાસે દવાનો સ્ટોક ન હોવાનું કહીને ખાનગી મેડિકલમાંથી દવા લેવાનું જણાવવામાં આવી રહ્યું છે. દર્દીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, તેમને સરકાર દ્વારા જન ઔષધી કેન્દ્રમાં આપવામાં આવતી જેનેરિક મેડિસન કે જે સસ્તા ભાવે મળે છે તે ખરીદવી છે પરંતુ આ મેડિકલ પર આ દવા દર્દીઓને આપવામાં આવતી નથી અને એક જ જવાબ આપવામાં આવે છે કે, દવા નથી ખાનગી મેડિકલમાંથી આ દવા લઈ લો.

આ સમગ્ર મામલો ન્યુઝ કેપિટલની ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહીરના ધ્યાન પર મૂકવામાં આવતા હોસ્પિટલ સમિતિના ચેરમેન દ્વારા તાત્કાલિક અસરથી જન ઔષધિ કેન્દ્ર અને ખાનગી મેડિકલ સ્ટોરના સંચાલકોને બોલાવવામાં આવ્યા હતા અને કડક ભાષામાં સૂચના આપવામાં આવી હતી કે, આ હોસ્પિટલ ગરીબોની હોસ્પિટલ છે. અહીંયા આ પ્રકારની લૂંટ નહીં ચાલે. જો આ બાબતનું ચોક્કસ નિરાકરણ નહીં આવે અને ગરીબ દર્દીઓને જેનેરીક દવા આપવામાં નહીં આવે તો મહાનગરપાલિકા કમિશનર સુધી આ બાબતે લેખિત ફરિયાદ કરી કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના સભ્ય રચના હિરપરા દ્વારા મહાનગરપાલિકા કમિશનરને પણ આ બાબતે પત્ર લખવામાં આવ્યો હતો અને જે તે સમયે તપાસ વખતે સ્મીમેર હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ફરી એક વખત હોસ્પિટલ સમિતિ ચેરમેનના આદેશ બાદ આ મેડિકલ સ્ટોરના ઇજારદારને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે.