December 23, 2024

સુરતમાં સ્માર્ટ મીટરના વિરોધ મામલે વીજકંપની DGVCL દ્વારા ખુલાસો

અમિત રુપાપરા, સુરતઃ રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વીજ વિભાગ દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરનો વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા બાદ સુરતમાં પણ વિરોધના સૂર ઊઠ્યા હતા. સુરતના પીપલોદના આદર્શ નગરના રહેવાસીઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને બિલ વધારે આવતું હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારે આ બાબતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડી યોગેશ ચૌધરી દ્વારા કેટલાક ખુલાસો આવો કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી યોગેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આદર્શ નગરના જે કિસ્સાઓ સામે આવ્યા છે તેમાંથી કેટલાક કસ્ટમરને આઇડેન્ટિફાઇ કરવામાં આવ્યા છે. ગત વર્ષે ઉનાળાના સમયમાં અને શિયાળાના સમયમાં જૂના મીટરમાં તેમનો વીજ વપરાશ અને ચાલુ વર્ષે જૂના તેમજ નવા મીટરમાં તેમનો વીજ વપરાશ અને તેની વિગતો મેળવવામાં આવી હતી. આ વિગતોમાં કોઈપણ પ્રકારની વિસંગતતાઓ નથી. જો કે, પ્રતિદિન વીજ વપરાશ કસ્ટમરને જાણવા મળતું હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. કસ્ટમર એકસાથે બે મહિનાનો 6,000 બિલ ભરવા માટે તૈયાર છે, પરંતુ જ્યારે તેનો પ્રતિદિન હિસાબ કરવામાં આવે તો 100 રૂપિયા થાય છે અને આ 100 પ્રતિદિનના વપરાશના લોકોને મોંઘા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ સહારામાં રોકાણ કરનારા લોકો બન્યાં ‘બેસહારા’, 500 કરોડ અટવાયા

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડી યોગેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલ મહિનાથી કરવામાં આવ્યું છે અને એક મહિનામાં 10,000 મીટર ચેન્જ કરવામાં આવ્યા છે. જે લોકો સ્માર્ટ મીટરને લઈને મૂંઝવણમાં છે તેમની મૂંઝવણ દૂર કરવામાં આવશે અને હાલ મીટર લગાવવાની કામગીરી બંધ નહીં થાય ચાલુ જ રહેશે. પરંતુ સૌપ્રથમ હવે સરકારી કનેક્શનમાં જૂના મીટરના બદલે હવે નવા મીટર લગાવવાની કામગીરી થશે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવ્યા પહેલાં સૌપ્રથમ તેનો ઉપયોગ DGVCLની કોલોનીમાં રહેતા કર્મચારીઓને ત્યાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મીટરનું રીડિંગ અને જૂના બિલોનો રેકોર્ડ મેચ કર્યા બાદ તેનું ટેસ્ટિંગ કર્યા પછી રહેણાંક વિસ્તારમાં આ મીટર લગાવવામાં આવ્યા છે. તો ઘણી વખત કિસ્સાઓ સામે આવ્યા હોય છે કે, લોકોને પાંચ લાખથી નવ લાખનું બિલ મળતું હોય છે, આવી જે હ્યુમન એરર છે તેને સ્માર્ટ મીટરથી સોલ્વ કરી શકાય છે. ઘણી વખત રીડર લોકો સાથે સાંઠગાંઠ રાખીને ઓછા યુનિટ દર્શાવી ઓછું બિલ બનાવે છે તો તે પણ હવે થઈ શકશે નહીં. કયા ફીડરમાંથી કેટલી વીજ ચોરી થાય છે, તેની પણ માહિતી આ સ્માર્ટ મીટરની મદદથી મળી રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદના દરિયાપુરમાં આવેલા મદરેસામાં તપાસ દરમિયાન આચાર્ય પર ટોળાનો હુમલો

તેમને પણ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જૂના મીટરનું જે બિલ હોય છે, તેને કસ્ટમરની ડિપોઝિટમાંથી કટ કરવામાં આવે છે, ત્યારબાદ પણ જો ડિપોઝિટ કરતાં બિલ વધારે હોય છે, તો અન્ય રકમ 180 દિવસના સમયમાં કસ્ટમર પાસેથી પ્રતિદિનના ચાર્જ રૂપે વસૂલવામાં આવે છે. એટલે શરૂઆતમાં જ્યારે આ રકમ કસ્ટમર પાસેથી વસૂલાતી હોય ત્યારે તેને એવું લાગશે કે તેનું બિલ વધારે આવી રહ્યું છે. પરંતુ તેના ઇલેક્ટ્રિસિટી બિલ બિલની ફરતે તેને એક સાથે કરવાના બદલે આ પ્રકારે તે કરી શકશે.

આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કસ્ટમરનું બેલેન્સ માઇનસ 300 રૂપિયા થાય ત્યાં સુધી હાલ અમે તેમની વીજળી કટ કરતા નથી અને કસ્ટમરને સાત દિવસ ઉપયોગમાં આવે તેટલું રિચાર્જ હોય ત્યારે તેમને સિસ્ટમથી એક મેસેજ મળી જાય છે કે, તેમનું રિચાર્જ પૂરું થઈ જશે. સાત દિવસમાં નવું રિચાર્જ કરાવવામાં આવે. આ ઉપરાંત દોઢ વર્ષના સમયમાં 17થી 18 લાખ મીટર રિપ્લેસ કરવાનો ટાર્ગેટ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મૂકવામાં આવ્યો છે અને સ્માર્ટ મીટરને લઈને લોકોમાં જાગૃતિ પણ ફેલાવવામાં આવશે.