સુરતમાં પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડાડનારા બે લોકોની ધરપકડ

સુરતઃ હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે. તેને ધ્યાને રાખીને સરકારે કેટલાક આદેશ જાહેર કર્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર સહિત સ્થાનિક વહીવટી તંત્રએ પણ કેટલાક જાહેરનામા અમલમાં મૂક્યા છે. જેમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં ડ્રોન ઉડાડવાના જાહેરનામાનો ભંગ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી લા સેરેમની રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન ઉડાડતા પોલીસ દોડતી થઈ હતી. તંત્રનો પ્રતિબંધ હોવા છતાં રેસ્ટોરન્ટના ધાબા પર ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટનો માલિક અકબર અલી રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન દ્વારા વીડિયો શૂટિંગ કરાવતો હતો.

ત્યારે પોલીસે આ મામલે જાહેરનામાના ભંગ અન્વયે ફોટોગ્રાફર અને રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કંટ્રોલને ડ્રોન ઉડાડવાનો મેસેજ મળ્યો હતો. જેમાં ગૌરવ નરેન્દ્ર રાઠોડ ડ્રોન ઉડાવી રહ્યો હતો.