December 30, 2024

સુરતમાં તેલુગુ પરિવારના સામૂહિક આપઘાતથી ચકચાર

સુરત: સુરતના લીંબાયત વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાના બાળક અને પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારના રૂસ્તમ પાર્કમાં આ ઘટના બનવા પામી છે.

સુરતના લીંબાયત સ્થિત રુસ્તમપાર્ક પાસે રહેતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. પિતાએ પુત્ર અને પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસને ઘટના સ્થળ પરથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં મોબાઈલ પસવર્ડ લખેલું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

એક જ પરિવારના 3 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસને 3 લોકોના મૃતદેહ મળ્યા હતા. જેમાં સોમેશ ભીક્ષાપતી ઝીલ્લ, તેની પત્ની નિર્મલાબેન અને તેનો 7 વર્ષીય પુત્ર દેવઋષિનોનો મૃતદેહ મળ્યો હતી. પોલીસ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટીએ પતિએ પુત્ર અને પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તો પોલીસને ઘટના સ્થળ પરથી એક ચિઠ્ઠી અને ફોન મળી આવ્યો હતો. તો મોબાઈલમાં કેટલાક વિડીયો ઉતારેલા હતા. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટનાનું પ્રાથમિક કારણ સંબંધીઓ સાથેના સંબંધોમાં પડેલી તિરાડ હોવાનું સામે આવ્યું છે. કારણ કે પોલીસને મૃતકના મોબાઇલમાંથી જે વીડિયો મળ્યો છે તે માટે પોતે પોતાના સંબંધીઓ દ્વારા પારિવારિક પ્રસંગોમાં ન બોલાવવામાં આવતા હોવાનું જણાવ્યું છે.

તો મૃતક સોમેશના સાસુ શોભાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ ગઈકાલે રાત્રે દીકરીના ઘરે ગયા હતા અને તે સમયે પુત્રવધુ અને જમાઈ બંને ખુશી ખુશી તેમની સાથે વાતચીત કરી હતી અને ચા પણ પીધી હતી. સોમેશે મોબાઇલ પર પોતાની સાસુ સહિતના સંબંધીઓને મૃત્યુ પહેલા એક મેસેજ મોકલ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.