સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર 44 કલાક બાદ કાબૂ મેળવાયો

અમિત રૂપાપરા, સુરત: શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં માર્કેટમાં ભીષણ આગ પર 44 કલાક બાદ સંપૂર્ણ કાબૂ મેળવાયો છે. સુરત ફાયર વિભાગ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ ફાયરોના લશ્કરોની મદદથી આગ પર કાબૂ મેળવાયો છે. ફાયર વિભાગના જવાનોની અથાગ મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. સુરત ફાયર વિભાગની અંદાજિત 35થી વધુ ગાડીઓ સહિત કાફલો આગને ઓલાવવા કામે લાગ્યો હતો.
ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે રિલાયન્સ, ક્રિભકો, ONGC, હજીરા સહિત અન્ય ઇન્ડસ્ટ્રીયલ કંપનીના નિષ્ણાત ફાયર લશ્કરોની પણ મહેનત સફળ રહી છે. વેપારીઓને આગમાં કરોડોનું નુકશાન થયું છે. મોટા ભાગની દુકાનો આગની ઝપેટમાં આવી જતા અનેક વેપારીઓને ભારે નુકશાની ભોગવવી પડી છે. બુધવારે સવારે 6 કલાકે આગનો કોલ સુરત ફાયર વિભાગને મળ્યો હતો. જે ભીષણ આગ આજે સંપૂર્ણ કાબૂમાં આવી છે.
શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટ ચાલુ કરાવવા માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યો છે. વિસ્તારમાં પોલીસ અને ફાયર કામ કરી રહ્યું છે ત્યાં નડતરરૂપ ના થાય તેનું ધ્યાન રાખવા કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. અન્ય માર્કેટમાં લોકોને વાહનો લઇ ન આવવા માટેની આવી સૂચના આપવામાં આવી છે. શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં જેમની દુકાનો છે તેમને માર્કેટની અંદર ન જવાની સૂચના આપવામાં આવી છે. વેપારી તંત્રને સહકાર આપે તે માટે પોલીસે અપીલ કરી છે.
હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. માર્કેટમાં ટોપ ફ્લોર પર ગેરકાયદે દુકાનો અને પતરાના શેડના પગલે આગ વધુ વિકરાળ બની હતી. ફાયર વિભાગે ત્રણ જેટલી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી સતત 44 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. અંતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાતા સુરત ફાયર વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
જોકે આગમાં માર્કેટનો સ્ટ્રક્ચર નબળું પડ્યું છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બાદ માર્કેટ સંપૂર્ણ ઉતારી પાડવા માટે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવી શકે છે. ઘટનામાં ફાયર વિભાગના 150થી વધુ જવાનો અને અધિકારીઓ આગ પર કાબૂ મેળવવા કામે લાગ્યા હતા.