November 22, 2024

સુરતના શિવપૂજા શોપિંગ સેન્ટરમાં લાગેલી આગ મામલે બે આરોપીની ધરપકડ, સ્પા સંચાલક ફરાર઼

સુરતઃ શહેરના સિટીલાઇટ વિસ્તારમાં લાગેલી આગ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, શિવપૂજા શોપિંગ સેન્ટરમાં આગ લાગતા 2 મહિલાનાં મોત નીપજ્યા છે. આ ઘટનામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી સ્પા સંચાલક ફરાર થઈ ગયો છે. આગની ઘટનાને પગલે મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આગ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતુ કે, ‘સીટીલાઇટ વિસ્તારમાં શિવપૂજા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આગ લાગી હતી. આ બનાવમાં સિક્કિમની બે મહિલાઓનાં મૃત્યુ થયા હતા. આ માળે જીમ અને સલૂન બંને ચાલી રહ્યા હતા. દિવાળીના કારણે જીમ બંધ હતા પરંતુ સલૂન ચાલુ હતું. આ સલૂનમાં ચાર મહિલા હતી. એક નાગાલેન્ડની હતી અને બે સિક્કિમની હતી અને એક કેરેટેકર હતી. આગ લાગી ત્યારે સૌથી પહેલા કેરટેકરને ખબર પડતાં તેણે બૂમાબૂમ કરી હતી. નાગાલેન્ડની અને એક મહિલા બહાર નીકળી ગઈ હતી. પરંતુ સિક્કિમની બંને મહિલા ફસાઈ ગઈ હતી અને બંનેના મોત નિપજ્યું હતું. બીનનું અને મનીષા રોય બંને સિક્કિમના રહેવાસી હતા.’

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ‘બંનેના મોત થઈ ગયા પછી ઘટના અંગે SMCના ઝોન ઓફિસમાં, ફાયર વિભાગમાં, FSL અને ટોરેન્ટ પાવરને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. તમામ વિભાગના અધિકારીઓએ પોતપોતાની રીતે ઘટનાસ્તરની વિઝીટ કરીને રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. ફાયર વિભાગે રિપોર્ટ રજૂ કર્યા છે. જેમાં જીમ અને સ્પા-સલૂન સંચાલક પાસે ફાયરની એનઓસી ન હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેના માટે ફાયર દ્વારા તેમને નોટિસમાં આપવામાં આવી હતી. રિપોર્ટમાં ફાયર ડિટેક્શન સિસ્ટમનો અભાવ, ફાયર એક્ઝિટ પણ ન હતું. આ જીમ અને સ્પા વગર એનઓસીએ ચલાવવામાં આવતું હતું.’

તેમણે જણાવ્યુ છે કે, ‘આ ઘટનામાં ઉમરા પોલીસમાં ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સ્પા સંચાલક વસીમ ચૌહાણ, બે જીમ સંચાલક શાહનવાઝ હારુન મિસ્ત્રી, દિલસાદ ખાન અને સલીમ ખાન સામે મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. પોલીસે જીમ સંચાલક સહિત બે આરોપીની ધરપકડ કરી છે અને સ્પા સંચાલક ફરાર થઈ ગયો છે. એફએસએલ, ઝોન ઓફિસમાંથી અને ટોરન્ટમાંથી રિપોર્ટ આવવાના બાકી છે. તમામ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વધુ કડક કાર્યવાહી કરશે. આ ઘટનામાં કોઈને પણ છોડવામાં આવશે નહીં.’