સુરતના શાહપોરમાં ત્રિદિવસીય “પાર્શ્વોત્સવ, ચિંતામણી મારી ચિંતા ચૂર..” મહોત્સવનું આયોજન

સુરત: સુરત શહેરના શાહપોર વિસ્તારમાં 500થી વર્ષ અધિક અતિ પ્રાચીન, અદ્ભુત, અલૌકિક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન તીર્થ આવેલ છે. અહીં રહેતા એક ગરીબ શ્રાવકને સ્વપ્ન આવ્યું કે, કુવામાં પાર્શ્વનાથ દાદાની અલૌકિક પ્રતિમા છે. જે બાદ એક રૂપિયામાં તૈયાર થયેલ તીર્થ આજે પણ પોતાની ગૌરવગાથા ગાઈ રહ્યું છે. આ તીર્થમાં બાવન દેરીયુક્ત સુંદર કલામય ચિત્રો, નકશીકામની સુંદર કોતરણી અને અદ્ભુત કાષ્ઠકામ કરવામાં આવી છે. આજે આ તીર્થ સદીઓથી જૈનશાસનની વિરાસતને સાચવીને બેઠું છે અને હજારો ભક્તોને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની કલ્પવૃક્ષ સમી અનરાધાર કૃપાનો સાક્ષાતકાર કરાવી રહ્યું છે.
આ તીર્થની 382મી સાલગીરી નિમિત્તે ત્રિદિવસીય “પાર્શ્વોત્સવ, ચિંતામણી મારી ચિંતા ચૂર..” મહોત્સવનું આયોજન રાખવામાં આવેલ છે. આ મહોત્સવમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 08 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે 7:00 કલાકથી અદભૂત પ્રભુભક્તિનું આયોજન કરવામાં આવેલ છે.