December 28, 2024

સુરતમાં નકલી નોટો ઝડપાઈ, 4ની ધરપકડ; 1.20 લાખ જપ્ત

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં અવારનવાર નકલી વસ્તુના વેચાણના કિસ્સાઓ સામે આવે છે. પરંતુ નકલી અધિકારી તેમજ નકલી ડોક્ટરના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હોઝયરીના બિઝનેસની ઓફિસની આડમાં ચાલતા નકલી નોટ છાપવાના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા માસ્ટર માઈન્ડ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 1,20,200ની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.

સુરત શહેર SOG પોલીસને માહિતી મળી હતી કે, સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેરમાં ઓનલાઈન હોઝીયરીના બિઝનેસની ઓફિસની આડમાં નકલી નોટ છાપવાનું મીની કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે SOG દ્વારા આ દુકાન પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન દુકાનમાં 100 રૂપિયાના દરની નકલી નોટ છાપવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. સરથાણાના એપલ સ્ક્વેરમાં ઓફિસ નંબર 406ના ચોથા માળ પર નકલી ચલણી નોટ છાપવાનો કારોબાર ચાલતો હતો.

આ રેડ દરમિયાન પોલીસે રાહુલ ચૌહાણ, પવન બાનોડે તેમજ ભાવેશ રાઠોડની ઘટના સ્થળ પરથી ધરપકડ કરી હતી. મહત્વની વાત છે કે, બાતમી મળ્યાના થોડા દિવસ સુધી આ વાતની ખરાઈ કરવા માટે SOG પોલીસના માણસો થોડા દિવસ આ ઓફિસની આજુબાજુમાં ફર્યા હતા અને માહિતી કન્ફર્મ થયા બાદ રેડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓફિસની અંદરથી 1,20,200ની નકલી ચલણી નોટનો જથ્થો પણ પોલીસને મળી આવ્યો હતો.

પકડાયેલા ત્રણ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ તમામ ઈસમોએ સાગર રાઠોડ સાથે મળીને એકાદ મહિનાથી ઓનલાઇન કપડાના બિઝનેસની આડમાં આ નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને વધારે નોટો છાપવા માટે પકડાયેલા ત્રણ ઈસમો આ ઓફિસ પર એકઠા થયા હતા. તો બીજી તરફ પોલીસ દ્વારા વોન્ટેડ આરોપી સાગર રાઠોડને પકડવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે સમયે મોડી રાત્રે બાતમીના આધારે પાસોદરામાં રહેતા સાગર રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચારેય આરોપીની હાલ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને નોટ છાપવાનું તેઓ ક્યાંથી શીખ્યા હતા અને અત્યાર સુધીમાં નોટ તેઓએ ક્યાં ક્યાં વટાવી છે તે બાબતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત રેડ દરમિયાન પોલીસે 100 રૂપિયાના દરની 1,202 નોટ અલગ અલગ શાહીની ચાર બોટલ, લીલા કલરનુ ફોઈલ પેપર, ત્રણ સ્કેલ, એક કટર, એક બિલોરી કાચ, ફેવિકોલની ડબ્બી, એક છાપેલ નોટોના કટીંગ કરેલા રફ પેપરો, A4 સાઈઝના પેપર પર છાપવામાં આવેલી 100 રૂપિયાના દરની નોટોની 10 પ્રિન્ટ, એક પ્રિન્ટર, એક પેન ડ્રાઈવ તેમજ લેમિનેશન મશીન જપ્ત કર્યું છે.