ડ્ર્ગ્સની બાતમી આપવાના નામે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત
અમિત રુપાપરા, સુરતઃ શહેરના રિંગ રોડ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં જૂની સબજેલની સામે ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. બે યુવકો પોલીસને બાતમી આપે છે તે વહેમ રાખીને હુમલો કર્યો હતો. એમડી ડ્રગની માહિતી મામલે થયેલા ઝઘડાની પતાવટ માટે એકઠાં થયેલા લોકો વચ્ચે જ માથાકૂટ થઈ હતી. જેમાં એક શખ્સનું મોત થયું છે. જ્યારે અન્ય યુવાનને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ ખટોદરા પોલીસે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
સુરત શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન હત્યાના ત્રણ બનાવો સામે આવ્યાં છે. ત્યારે મધરાતે એમડી ડ્રગ્સની માહિતી પોલીસને આપવામાં આવી રહી હોવાના વહેમમાં બે યુવાનો ઉપર ઘાતકી હુમલો થયો હતો. જેમાં એકનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બંને યુવકો હુમલો કરનારા આરોપીઓની એમડી ડ્રગ્સ અંગે પોલીસને બાતમી આપતા હોવાના વહેમ રાખી હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી
ગઈ રાત્રિના લગભગ 11:30થી 12:00 વાગ્યાના સુમારે 30 વર્ષીય હનીફ અમીર ખાન અને મોહસીન નામના બે યુવકો પર જાહેરમાં ચપ્પુ વડે ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં 30 વર્ષીય હનીફ ખાનનું મોતની નીપજ્યું છે. જ્યારે અન્ય યુવક મોહસીનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
આ બનાવ અંગે પોલીસને જાણ થતા ખટોદરા પોલીસ સહિત પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ દરમિયાન પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, એમડી ડ્રગ્સની બાતમી આપવાના વહેમ પર બંને યુવકો પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હનીફ ખાન અને મોહસીન માન દરવાજા ખાતે રહે છે. એજાઝ ખંજરી, હજુ ખંજરી તથા હબીબ નામના ત્રણ ઈસમોએ બંને ઈસમો હનીફ ખાન અને મોહસીનને પોલીસને બાતમી આપે છે, તેના સમાધાન માટે જૂની સબજેલ પાસે બોલાવ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી
આ દરમિયાન તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેમાં ત્રણેય ઈસમોએ તેમની પાસે રહેલા તિક્ષ્ણ હથિયાર વડે મોહસીન અને હનીફ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મોહસીન પડી જતા તે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે હનીફની પાછળ પીછો કરી તેને પકડી ગંભીર ઈજા પહોંચાડીને મોતની નીપજાવ્યું હતું. આ બનાવ અંગે હત્યા કરનારા ત્રણ અને તેમની મદદ કરનાર ત્રણ મળી કુલ છ ઈસમો સામે પોલીસે ગુનો નોંધી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.