December 24, 2024

સુરતમાં વિદ્યાર્થિનીનું ગળું દબાવીને દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીનું ગળું દબાવીને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા નરાધમે વિદ્યાર્થિની સાથે બળજબરી કરી તેના માથામાં નાની ગેસની બોટલ મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે હાલ વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને નરાધમની રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સુરતના પાલનપુર જકાતનાકામાં રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. 19 જૂનના રોજ સવારના સમયે વિદ્યાર્થિના પિતા તેને શાળાએ મૂકીને કામ પર ગયા હતા અને ત્યારબાદ અભ્યાસ પછી વિદ્યાર્થીની ઘરે આવીને હોમવર્ક કરી રહી હતી. આ સમયમાં પાડોશમાં રહેતો એક પરપ્રાંતિય યુવક ઘરમાં ઘૂસી ગયો હતો અને વિદ્યાર્થીની સાથે જબરજસ્તી કરવા લાગ્યો.

આ પણ વાંચોઃ પોરબંદરની આંગણવાડી જર્જરિત, પીઢિયા નબળા-છૂટ્ટા વાયરો; જવાબદાર કોણ?

વિદ્યાર્થિની દ્વારા નરાધમનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો. ત્યારે નરાધમે રૂમમાં રહેલો નાનો ગેસનો બાટલો વિદ્યાર્થિનીનાં માથા પર માર્યો હતો અને વિદ્યાર્થિનીને ઈજાગ્રસ્ત કરી હતી. માથામાં ગંભીર ઈજા થવાના કારણે વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી અને બેભાન હાલતમાં આ વિદ્યાર્થીને પંખે લટકાવી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, જે સમયે આ નરાધમ વિદ્યાર્થીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે વિદ્યાર્થિની એકાએક ભાનમાં આવી ગઈ હતી. તેણે બૂમાબૂમ કરી હતી. ત્યારે નરાધમે 14 વર્ષની વિદ્યાર્થિનીનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું અને ફરીથી આ વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ આ નરાધમ ભાગી ગયો હતો.

બીજી તરફ, આ સમગ્ર ઘટનાની જાણ થતા વિદ્યાર્થિના પિતા ઘરે પહોંચ્યા હતા અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીના પિતા દ્વારા સમગ્ર ઘટનાને લઈને રાંદેર પોલીસ મથકમાં નરાધમ સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. રાંદેર પોલીસે આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને વિદ્યાર્થિની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કરનારા નરાધમને ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો છે.