December 22, 2024

સુરતમાં એજન્ટરાજ, નાનકડું સરકારી કામ કરાવવા માગે છે 200-500 રૂપિયા!

અમિત રુપાપરા, સુરતઃ શહેરના પુણા ગામ ઝોનલ કચેરીની પુરવઠા વિભાગની ઓફિસ નાના વરાછા ઢાળમાં આવેલી છે. આ ઓફિસ બહાર એજન્ટ વહેલી સવારથી અડિંગો જમાવીને બેસી જાય છે. સરકારી કામ કરાવવા માટે આવતા લોકો પાસેથી આ એજન્ટ સરકારી કામ કરાવવાના પૈસા માંગે છે અને જે કામ વારંવાર આ કચેરીમાં ધક્કા ખાવાથી નથી થતા, તે કામ એજન્ટને 200 કે 500 રૂપિયા આપવાથી થઈ જાય છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

આ કચેરી બહાર બેસેલી એક મહિલા એજન્ટને એક વ્યક્તિ આધાર કાર્ડ KYC કરવાનું પૂછતા મહિલા 200 રૂપિયામાં આધાર કાર્ડ KYC થશે તેવું જણાવી રહી છે. તો બીજી તરફ જ્યારે આ બાબતે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે આ મહિલા એજન્ટના સૂર બદલાઈ ગયા અને પોતે માત્ર ફોર્મ ભરતી હોવાનું જણાવ્યું હતું. આ વીડિયો જ્યારે મહિલા એજન્ટને બતાવવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું ત્યારે મહિલા એજન્ટને પણ બોલવામાં ગલ્લાતલ્લા થવા લાગ્યા. બીજી તરફ જ્યારે KYC કરાવવા આવેલા લોકો સાથે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવે ત્યારે લોકો પણ અધિકારીઓ પર રોષે ભરાયા હોય તેવું લાગી રહ્યું હતું.

લોકોએ જણાવ્યું કે, અમે છ સાત કલાકથી લાઇનમાં ઊભા રહીએ છીએ છતાં પણ અમારું KYC થવામાં વાર લાગે છે. પરંતુ એજન્ટ 200-500 રૂપિયા માગે છે અને લોકોના કામ ફટાફટ થઈ જાય છે. તો કેટલીક મહિલાઓ બાળકો સાથે વહેલી સવારથી જ આ ઓફિસ પર લાંબી લાઈનો લગાવીને ઉભી રહી જાય છે અને લોકો પણ ધંધા-રોજગાર છોડીને આ ઓફિસ બહાર રેશનકાર્ડ અને આધારકાર્ડ KYC કરવા માટે લાંબી લાઈનો લગાવીને ઊભા રહે છે. પરંતુ કલાકો સુધી લોકોને ઊભા રહેવું પડી રહ્યું છે. તો બીજી તરફ આ ઓફિસમાં ન તો લોકો માટે બેસવાની સુવિધા છે, ન તો લોકો માટે છાંયડામાં ઉભા રહેવાની એટલે લોકોને ગરમીમાં અને તડકામાં જ પુરવઠા વિભાગની ઓફિસ બહાર કલાકો સુધી ઉભું રહેવું પડે છે.

કચેરીના અધિકારી સાથે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે લોકોને એજન્ટો પાસે ન જવાની સૂચના આપી છે અને અમે એજન્ટોના કામ કરતા નથી. જ્યારે એજન્ટોને કચેરી બહાર ન ઊભા રહેવાની સૂચના આપવા બાબતે ન્યુઝ કેપિટલ દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે અધિકારીએ કહ્યું કે, અમે એજન્ટોને ના કહી શકતા નથી, પરંતુ લોકોને અમે વારંવાર સૂચનાઓ આપીએ છીએ કે તમારે કોઈપણ કામ કરવું હોય તો સરકારી કર્મચારીની મદદ લો અને એજન્ટો પાસે ન જાય.

એક તરફ અધિકારીઓ ઓફિસ બહાર જ એજન્ટોને બેસાડી રહ્યા છે અને એજન્ટોને ભાગવાનું કહેવાના બદલે લોકોને એજન્ટો પાસે ન જવાની સલાહ આપી રહ્યા છે એટલે જાણે બિલાડીને જ દૂધની સુરક્ષા કરવાની જવાબદારી આપી હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં સરકારી કચેરીમાં ચાલતું એજન્ટરાજ ક્યારે દૂર થશે અને આવા એજન્ટોને છાવરતા અધિકારીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે આગામી દિવસોમાં જાણવા મળશે.