November 24, 2024

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે 70થી વધુ લોકો સાથે છેતરપિંડી, આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ઉધનામાં પ્રધાનમંત્રી આવાસ અપાવવાના નામે ઓરિસ્સાવાસી સમાજના 79 જેટલા લોકો પાસેથી 12.60 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી કરનાર ઠગબાજની ઉધના પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ઉધનામાં આવેલી વશી કોલોનીમાં ઓફીસ શરૂ કરી હતી. ઓફીસ પરથી પોતાના જ સમાજના લોકોને વિશ્વાસ અને ભરોસામાં લઈ પ્રધાનમંત્રી આવાસ અપાવવાના નામે લાખોની રકમ પડાવી રાતોરાત તાળા મારી ફરાર થઈ ગયો હતો. વર્ષ 2013થી 2015 દરમિયાન આરોપીએ લોકો પાસેથી આવાસના નામે રૂપિયા પડાવ્યા હતા. વર્ષ 2021માં ભોગ બનનારાઓએ પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ રૂપિયા પરત આપવાની બાંહેધરી આપી ઠગબાજ ઓરિસ્સા ફરાર થઈ ગયો હતો. જ્યાં અંતે ઉધના પોલીસ દ્વારા 5મી ઓગષ્ટના રોજ ગુનો નોંધી આરોપી સુરત આવતા જ દબોચી લીધો હતો.

મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સપનાનું ઘર ખરીદવું વર્તમાન સ્થિતિએ ઘણું મુશ્કેલ બન્યું છે. એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે આવી સ્થિતિમાં સપનાનું ઘર ખરીદવું તો કેવી રીતે? તે પ્રશ્ન આજે સૌ ગરીબ અને સામાન્ય વર્ગના મનમાં રહેલો છે. આવા ગરીબ વર્ગના લોકો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાથી ગરીબ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટેના પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જો કે, સરકારની આ યોજનામાં ગરીબ વર્ગના લોકો સપનાનું ઘર મેળવવા માટે એજન્ટનો સંપર્ક કરે છે. પરંતુ સપનાનું ઘર મેળવવા ઇચ્છતા ગરીબ વર્ગના લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી કેટલાક ધુતારાઓ રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે. આવી જ કંઈક ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની છે.

ઉધના પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વસી કોલોની ખાતે ઓફિસ ધરાવતા ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિશનોઈ નામના ઠગ દ્વારા અનેક લોકોને પ્રધાનમંત્રી આવાસ અપાવવાના નામે છેતર્યા છે. વર્ષ 2013થી વર્ષ 2015 દરમિયાન આ ઠગ દ્વારા ઓરિસ્સવાસી સમાજના 79થી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ અપાવવાના નામે વિશ્વાસ અને ભરોસામાં લઈ રૂપિયા 12.60 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. રૂપિયા પડાવી લીધા બાદ પણ લોકોને આવાસ અપાવવામાં આવ્યા નહોતા. અધિકારીઓ જોડે સારી ઓળખાણ છે અને લાગવગના કારણે આવાસમાં નંબર લાગી જશે તેવી લોભામણી સ્કીમો બતાવવામાં આવી હતી. પરંતુ રૂપિયા પડાવી લીધા બાદ પણ આવાસ નહીં મળતા વારંવાર આ ઠગની ઓફિસના ધક્કા ખાઈ રહેલા લોકોએ અંતે ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો.

વર્ષ 2021માં ઉધના પોલીસનો સંપર્ક કરતાં પોલીસે જે તે સમયે ભોગ બનનારાઓની અરજીના અનુસંધાને આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમને પોલીસ મથકે લઈ આવી હતી. ત્યારબાદ સમાજના લોકો પાસેથી આવાસના નામે પડાવેલા 12.60 લાખની રકમ ટુકડે ટુકડે કરી પરત કરી દેવા માટે નોટરી સાથેનું લખાણ આપ્યું હતું. પરંતુ સમય વીત્યા બાદ પણ લોકોને રૂપિયા પરત મળ્યા નહોતા. એટલું જ નહીં, પરંતુ આ ઠગબાજ રૂપિયા નહીં આપવા પડે તે માટે સુરત છોડી પોતાના વતન ઓરિસ્સા ખાતે ભાગી છુટ્યો હતો. સમાજભાઈ હોવાથી લોકોએ જે તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આરોપી સુરત પરત ફરશે તેવી આશાએ લોકો વાટ જોઈ બેઠા હતા. પરંતુ સમય વીત્યા બાદ પણ ઠગબાજનો કોઈ પતો ન મળતા અંતે પાંચમી ઓગસ્ટના રોજ ભોગ બનનારાઓએ ફરી ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાં ઉધના પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઉધના પોલીસ દ્વારા આરોપીના ઠેકાણાં ઉપર તપાસ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી. ઉધના પોલીસને જાણકારી મળી હતી કે, આરોપી હાલ પોતાના વતન ઓરિસ્સા ખાતે છે અને તે ટૂંક જ સમયમાં સુરત આવવાનો છે. માહિતીના આધારે ઉધના પોલીસની ટીમ સતત વોચમાં હતી. દરમિયાન ગત રોજ ઓરિસ્સાથી સુરત આવી પહોંચેલા આ મહાઠગની ઉધના પોલીસે ધરપકડ કરી જેલહવાલે કરી દીધો હતો. આરોપીએ હમણાં સુધીમાં આ પ્રકારે કેટલા લોકો જોડે છેતરપિંડી આચરી છે, તેની પણ તપાસ ઉધના પોલીસ કરી રહી છે. ઉધના પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

રિમાન્ડ દરમિયાન અન્ય ભોગ બનનારાઓની લાંબું લિસ્ટ બહાર આવી શકે છે. પરંતુ આ ઘટનામાં લોકોએ ચોક્કસથી ચેતવાની જરૂર છે. લાગવગ અને ઓળખાણની મોટી મોટી વાતો કરી સપનાનું ઘર અપાવવાની વાતો કરતા આવા ધુતારાઓથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.