December 5, 2024

સુરતીઓ સાચવજો! પોલીસ અત્યાધુનિક મશીનથી કરશે ચેકિંગ, 30 સેકન્ડમાં જ રિઝલ્ટ આવી જશે

અમિત રુપાપરા, સુરતઃ ટેક્નોલોજીના સમયમાં હવે સુરત પોલીસ પણ ટેક્નોલોજીની સાથે ચાલી રહી છે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરત પોલીસ પાસે એવું મશીન આવ્યું છે કે જે નશો કરનારા વ્યક્તિની લાળથી જ કહી દેશે ત્યાં વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. અગાઉ નશો કરનારા વ્યક્તિએ કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ પોલીસને સાત દિવસમાં મળતું હતું, પરંતુ હવે આ નાનું એવું મશીન 30 સેકન્ડથી લઈને 1 મિનિટમાં આજે પોલીસને જણાવી દેશે કે, જે વ્યક્તિની લાળનું સેમ્પલ મશીને લીધું છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. આ મશીનનો ઉપયોગ સુરત 31 ડિસેમ્બરને લઈને ચલાવવામાં આવતી ડ્રાઇવમાં પણ કરશે. જેથી પોલીસ જે તે વ્યક્તિ સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરી શકશે.

સુરત શહેરમાં નશો કરનારા લોકો ચેતી જજો. કારણ કે, હવે સુરત શહેર પોલીસે વસાવેલું આ નાનકડું મશીન 30 સેકન્ડથી 1 મિનિટના સમયમાં જ કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. સુરત શહેર SOG દ્વારા 15 લાખનું પોર્ટેબલ મોબાઈલ રિપિટ ડ્રગ્સ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મશીનની સાથે એક કાર્ટેજ આવે છે અને આ કાર્ટેજમાં જે તે વ્યક્તિની લાળ મૂકીને તેને મશીનની અંદર ઇન્સ્ટોલ કરવાની રહે છે. આ લાળનું સેમ્પલ લીધા બાદલ તાત્કાલિક જ મશીન 30 સેકન્ડથી એક મિનિટના સમયમાં જણાવી દેશે કે જે વ્યક્તિની લાળ છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં.

આ નાનકડા એવા મશીનની કિંમત 15 લાખ રૂપિયા છે, પરંતુ આ મશીન સુરત પોલીસ માટે ખૂબ જ અસરકારક કામગીરી કરશે. મહત્વની વાત છે કે, 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રેવ પાર્ટીઓ કે પછી અલગ અલગ જગ્યા ઉપર ફાર્મમાં થતી પાર્ટીઓની સંખ્યા વધતી હોય. ઘણી જગ્યાઓ પર તો ડ્રગ્સની સાથે દારૂની મહેફીલો પણ થતી હોય છે. ત્યારે આવી જ પાર્ટીઓ સામે કાર્યવાહી કરવા માટે સુરત શહેર એસઓજી દ્વારા થર્ટી ફર્સ્ટના 28 દિવસ પહેલાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સુરત SOG દ્વારા પોર્ટેબલ મોબાઈલ ડ્રગ સ્કેનિંગ એન્ડ ડિટેકશન મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીનને સાથે રાખીને જ અલગ અલગ જગ્યા ઉપર થતી પાર્ટીઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને પાર્ટીઓમાં રહેલા લોકોની લાળના સેમ્પલ લઈને જ તાત્કાલિક જ પોલીસ જાણી શકશે કે જે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. જો સામેના વ્યક્તિએ નશો કર્યો હશે તો તેની સામે તાત્કાલિક અસરથી હવે પોલીસ કાર્યવાહી કરી શકશે. પહેલા વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તે બાબતની માહિતી પોલીસને સાત દિવસ બાદ મળતી હતી પરંતુ હવે આ મશીન પોલીસની કામગીરી પણ ઝડપી કરશે.