January 24, 2025

સુરત પોલીસનું નવરાત્રિમાં ગરબે ઘૂમવા જતી મહિલાઓને શી-ટીમનું સુરક્ષા કવચ

અમિત રુપાપરા, સુરતઃ નવરાત્રિના નવ દિવસમાં શક્તિના અલગ અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. ત્યારે સુરત સહિત સમગ્ર દેશમાં આ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. નવરાત્રિના આ પર્વને લઈને મહિલા અને યુવતીઓની સુરક્ષાની જવાબદારી પોલીસના શિરે છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા આ કામગીરી ખૂબ જ સારી રીતે નિભાવવામાં આવી રહી છે.

નવરાત્રિના નવ દિવસ સુધી મોડી રાત સુધી ગરબાના આયોજનો થતા હોય છે. ત્યારે મોડી રાત્રે ગરબા રમીને ઘરે જતી યુવતી કે મહિલાઓ સાથે છેડતી કે પછી કોઈ અન્ય અઘટિત ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર રાત્રી દરમિયાન ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. તો બીજી તરફ ગરબાના આયોજનમાં ગરબે રમતી મહિલા કે યુવતીઓ છેડતીનો ભોગ ન બને તે માટે મહિલા પોલીસની શી ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

સુરતના અલગ અલગ વિસ્તારમાં જ્યાં મોટા નવરાત્રિના આયોજનો થયા છે. ત્યાં મહિલા પોલીસની શી ટીમ દ્વારા પરંપરાગત વેશભૂષામાં મહિલા અને યુવતીઓની સુરક્ષા કરવામાં આવે છે. તેઓ આ વેશભૂષામાં ગરબા ગ્રાઉન્ડ પર ગરબા રમે છે. આ સાથે મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરતા રોમિયો કે પછી અસામાજિક તત્વોની ઉપર નજર રાખે છે. જો કોઈ વ્યક્તિ યુવતીઓના ફોટા અથવા તો વીડિયો લેતો હોય તો આવા ઈસમોના મોબાઈલ લઈને તેમના મોબાઈલમાંથી આ ફોટો વીડિયો ડિલિટ મારવામાં આવે છે.

ત્યારે સુરતના સરથાણા અને કાપોદ્રા પોલીસની શી ટીમ દ્વારા ગરબા આયોજનોમાં આ જ પ્રકારે ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મહિલા પોલીસની સીટી ગરબા ગ્રાઉન્ડ ઉપર નાનામાં નાની બાબત કે જે મહિલા સુરક્ષાઓને સ્પર્શે છે તેનું ધ્યાન રાખે છે. કેટલાક પોલીસ કર્મચારી યુનિફોર્મમાં તો કેટલાક મહિલા પોલીસ કર્મચારી નવરાત્રિના પરંપરાગત વેશભૂષામાં ગરબા ગ્રાઉન્ડ પર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત ગરબા રમીને જો કોઈ યુવતી કે મહિલા મોડા ઘરે જતા હોય અને તેમને અસુરક્ષા અનુભવાતી હોય તો આ મહિલા કે યુવતી 100 નંબર પર પોલીસનો સંપર્ક કરીને ઘરે જવા માટે પોલીસની મદદ લઈ શકે છે.

તો બીજી તરફ સુરત શહેર પોલીસ દ્વારા ન માત્ર ગરબાના આયોજનોમાં સ્થળ પર જઈને પરંતુ પોલીસ કંટ્રોલ રૂમમાં બેસીને પણ ગરબા આયોજકોએ ગ્રાઉન્ડ પર લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી ઓનલાઇન કંટ્રોલરૂમમાં બેઠા બેઠા ગરબાના તમામ આયોજનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.