December 26, 2024

ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો

અમિત રૂપાપરા, સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકી ગેરકાયદેસર રીતે ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડી રૂપિયા 21,500થી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. અગાઉ શહેર પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાંથી ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. લોકોના જીવ જોખમમાં મૂકી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા આવા તત્ત્વોને ઝડપી પાડવા શહેર પોલીસે ભારે કમરકસી હતી, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

અડાજણ પોલીસે પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા મંગલદીપ કોમ્પ્લેક્ષમાં રામદેવ સ્ટીલ એન્ડ ગેસ રીપેરીંગ સર્વિસની આડમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડ પર દરોડો પાડી દેમારામ બુધારામ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે રંગેહાથ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા શખ્સને ઝડપી પાડી સ્થળ પરથી વજન કાંટા, ખાલી અને ભરેલા અલગ ગેસ કંપનીમાં સિલિન્ડર, ગેસ રિફિલિંગનું મશીન સહિત 21,500ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.