May 19, 2024

સુરત શહેરને વધુ સેફ બનાવશે ‘સાયબર મિત્ર’

સુરત: શહેર પોલીસે દેશનું સૌપ્રથમ ચેટબોટ બનાવ્યું છે. જે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોટ લોકોને સાયબર ક્રાઈમથી સુરક્ષા આપશે. આ ચેટબોટને સુરત સાયબર મિત્ર નામ આપવામાં આવ્યું છે જે શહેરમાં વધતા જતા સાયબર ફ્રોડથી બચવા જાગૃત્તિ આપશે. આ ચેટબોટના વોટ્સએપ નંબર 93285 23417 પર ‘Hi’મોકલવાથી સાઈબર ફ્રોડ અંગેની તમામ માહિતી તમને મળશે.

સાયબર સેફ સુરત માટે સુરત શહેર પોલીસે અનોખી પહેલ કરી નાગરિકોને સાયબર ક્રાઈમ, સાઈબર ફ્રોડથી બચાવવા અને સહાયરૂપ થવા દેશનું સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોટ બનાવ્યું છે. સુરત સાયબર મિત્ર નામનો ચેટબોટ નાગરિકોને સાયબર ફ્રોડથી સુરક્ષા આપવાની સાથે સાઈબર ક્રાઈમનો ભોગ બનતા અટકવામાં મદદરૂપ બનશે.

સુરત સાયબર મિત્ર ચેટબોટ ખાસ કરીને સુરત શહેરને સાયબર સેફ બનાવવાની શહેર પોલીસની એક પહેલ છે. જેમાં દેશનો કોઈ પણ નાગરિક આ ચેટબોટના વોટ્સએપ નંબર પર HI મોકલી ચેટબોટ સાથે જોડાઈ શકે છે. આ માનવરહિત ચેટબોટની મદદથી સુરતના નાગરિકોને 24*7 સાઈબર સુરક્ષાને લગતી દરેક માહિતીઓ ઉપલબ્ધ થશે. આ સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો ત્વરિત ધોરણે લેવાના પગલા તેમજ ફરિયાદ નોંધણી માટે જરૂરી માર્ગદર્શન મળી રહેશે.

સુરત સાયબર મિત્ર સ્પામ કોલ, સ્પામ મેઈલ કે લિંકને રિપોર્ટ કરવા, નાણાંકીય અને સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડની માહિતી અને ટીપ્સ મેળવવા, સોશિયલ મીડિયા ફ્રોડ સંબંધિત અરજી કરવા, સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મના ફરિયાદ પોર્ટલ પર રિપોર્ટ કરવા, સોશિયલ મીડિયા પ્રાઈવસી સેટિંગ્સની માહિતી મેળવવા, સાયબર સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે લોકલ પોલીસ સ્ટેશનના ફોન નંબર અને ઈ-મેઈલની માહિતી મેળવવા માટે મદદરૂપ થશે. આ દરેક માહિતી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઈમથી નાગરિકોને સુરક્ષિત રાખવા અને લોકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતતા વધારવા સાયબર સેફ સુરત પહેલ હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં અગાઉ સાયબર સંજીવની રથ અને સાયબર SAFE સુરતના ઓડિયો વિઝ્યુઅલ પુસ્તકનો પણ સમાવેશ થાય છે.