December 18, 2024

સુરતમાં પોલીસ કમિશનરે બોટમાં જઈને લિંબાયતમાં એલર્ટ આપ્યું

સુરતઃ શહેરમાં ભારે વરસાદને પગલે શહેર પોલીસ કમિશનર મેદાને આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત લિંબાયતમાં બોટ લઈને મુલાકાતે ગયા હતા. ત્યારે ત્યાં વસવાટ કરતા તમામ લોકોને સહીસલામત સ્થળે ખસી જવા માટે વિનંતી કરી છે. વરસાદી પાણી ભરાતા તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સુરત પોલીસ તેમની વ્હારે આવી છે.

સુરતમાં ભારે વરસાદને પગલે માંડવીનો લાખી ડેમ ઓવરફ્લો થયો છે. ખેડૂતોની જીવાદોરી સમાન લાખી ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. લાખી ડેમની હાલની સપાટી 74.10 મીટરે પહોંચી છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 74.55 મીટર છે. ત્યારે ડેમ સંપૂર્ણ ભરાતા રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છે. ડેમ આજુબાજુના ગામોને તકેદારીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક યથાવત છે.

બીજી તરફ, ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા આમલી ડેમનાં 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. આમલી ડેમનાં આકાશી દ્રશ્યો પણ સામે આવ્યાં છે. 6084 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. આમલી ડેમની સપાટી 113 મીટરે પહોંચી છે. ત્યારે આમલી ડેમની આજુબાજુના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.