વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે હવે સુરત પોલીસ આગળ આવી
અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા શહેરના લોકોને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરાવવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અલગ-અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ઝોન 4 હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનનો વિસ્તારમાં વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકો માટે પોલીસ હેડ ક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ કરેલી રજૂઆતને લઈને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી વ્યાજખોરોની ધરપકડ કરવાના આદેશ સુરત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા હતા.
સુરત શહેરમાં વ્યાજખોરોના ચક્રવ્યુમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે હવે સુરત પોલીસ આગળ આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોની રજૂઆત સાંભળીને તાત્કાલિક અસરથી સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવામાં આવે છે. સુરતના પોલીસ હેડ ક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે ઝોન 4 હેઠળ આવતા અઠવા, ઉધના, ખટોદરા, પાંડેસરા અને વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકો માટે લોકદરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખોરોથી પીડિત લોકોએ પોતાની રજૂઆત સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સામે રજૂ કરી હતી અને પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પોલીસ અધિકારીને આદેશ આપવામાં આવ્યા હતા.
મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં આ લોક દરબાર હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે 12 ગુના દાખલ કર્યા છે અને આગામી દિવસોમાં અલગ અલગ 6 એ 6 ઝોન વિસ્તારમાં આ પ્રકારે લોક દરબારનું આયોજન કરવામાં આવશે અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. મહત્વની વાત છે કે સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા લોક દરબારમાં જે લોકો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતને લઈને તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ધોધમાર વરસાદ બાદ માધવપુર-કુતિયાણા જળબંબાકાર, જુઓ ઘેડ પંથકનો આકાશી નજારો
આ ઉપરાંત વ્યાજખોરોને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પ્રકારના પુરાવાઓના આધીન આ ફરિયાદ લેવામાં આવી હતી. ભોગ બનનારની ફરિયાદ લીધા બાદ તાત્કાલિક અસરથી વ્યાજખોરોને પકડવા માટે પોલીસની ટીમોને પણ રવાના કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે સુરત શહેરમાં વ્યાજના ચક્રવ્યુમાં જે લોકો ફસાયા છે તેને બહાર કાઢવા માટે સુરત શહેર પોલીસ દ્વારા આ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે વ્યક્તિ કોઈ હોસ્પિટલ, શિક્ષણ કે પછી અન્ય મજબૂરીમાં ફસાય છે ત્યારે તેઓ વ્યાજે રૂપિયા લેતા હોય છે પરંતુ ઘણા વ્યાજખોરો લોકો પાસેથી નિયમ વિરુદ્ધ જઈને વધારે વ્યાજની વસૂલાત કરતા હોય છે. આના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને એટલા માટે જ લોકોને આ મુશ્કેલીમાંથી મુક્ત કરાવવા માટે સુરત પોલીસ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નાનામાં નાની રકમ જો કોઈ વ્યાજે લીધી હોય અને તેઓને પરેશાની થતી હોય તો તે વ્યક્તિ પણ પોલીસને રજૂઆત કરી શકે છે અને પોલીસ આવા વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત તેમને વ્યાજખોરોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મુશ્કેલીમાં ફસાયેલા લોકોને વ્યાજે રૂપિયા આપીને નિયમ વિરુદ્ધ જઈને વધારે વ્યાજ વસૂલ કરશો તો આવા વ્યાજખોરોને કાયદાના દંડા પડશે.