December 22, 2024

સુરતમાં વ્યાજખોરની ધરપકડ, 5 વર્ષમાં 6 લાખના 36 લાખ લીધાં!

અમિત રૂપાપરા, સુરતઃ શહેરના રાંદેર વિસ્તારમાં જમીન લે-વેચનો ધંધો કરતા યુવકને 5 લાખ રૂપિયા વ્યાજ પેટે આપી માત્ર 5 વર્ષની અંદર જ 36 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરી વધુ રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. રાજ્યમાં સામાન્ય નાગરિકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી શોષણ કરતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટેના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. સરકારના આદેશોનાં પગલે છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં પોલીસ કમિશનરની સૂચના અન્વયે વ્યાજખોરો સામે વિશેષ ઝૂંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યાં સુરતના રાંદેર વિસ્તારમાં જમીન દલાલની ફરિયાદના આધારે રાંદેર પોલીસે કડક કાર્યવાહી કરી છે.

રાજ્ય સરકારના આદેશોના પગલે છેલ્લા એક વર્ષથી પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલાકી થોડા સમય માટે આ કાર્યવાહી મંદગતિએ ચાલી રહી હતી. પરંતુ ફરી પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટેની વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સુરત પોલીસ કમિશનરની સૂચના અન્વયે શહેર પોલીસ મથક હદ વિસ્તારમાં સેમિનાર યોજી વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને ફરિયાદ માટે આગળ આવવાની અપીલ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. વ્યાજખોરોનો ભોગ બનેલા સામાન્ય નાગરિકોમાં પણ હવે હિંમત આવી રહી છે અને લોકો વ્યાજખોરો સામે ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે. જે કિસ્સો સુરતના રાંદેર વિસ્તારમાં જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ VNSGUના પૂર્વ સેનેટ સભ્યનો રાજ્યપાલને પત્ર – વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા અપાવીને કૌભાંડ આચર્યું

સુરતના રાંદેર વિસ્તારમાં જ રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા જમીન દલાલ વિપુલભાઈ આહીરે સુરતના રાંદેર પોલીસ મથકમાં વિજય નટવરભાઈ ગરીબ વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ આપી હતી. તેમણે આપેલી ફરિયાદ મુજબ, સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા માછીવાડમાં રહેતા વિજય નટવર ગરીબ પાસેથી 5 વર્ષ અગાઉ 6 લાખ રૂપિયા વ્યાજપેટે લીધા હતા. જેનું સમયસર તેઓ દ્વારા વ્યાજ પણ ચૂકવતા હતા. માત્ર 5 વર્ષની અંદર તેઓએ 36 લાખ રૂપિયા જેટલી રકમ વિજય નટવર ગરીબને ચૂકવી દીધી હતી. છતાં પણ વિજય ગરીબ દ્વારા અવારનવાર ફોન કરી પઠાની ઉઘરાણી કરતો હતો. એટલું નહીં પરંતુ વધુ રૂપિયાની માગણી કરી ટોર્ચર કરી માનસિક રીતે ત્રાસ આપતો હતો. વિપુલ આહીરની ફરિયાદના આધારે રાંદેર પોલીસ દ્વારા હાલ ચાલી રહેલી વ્યાજખોરો સામેની કડક ઝૂંબેશને ધ્યાનમાં રાખી વિજય નટવર ગરીબ વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં મળી આવેલા પુરાવાઓના આધારે આરોપી વિજય નટવર ગરીબની રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી વિજય નટવર ગરીબ દ્વારા વ્યાજપેટે આપવામાં આવેલા રૂપિયાનો હપ્તો જો ચૂકી જાય તો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું. વિજય આહીરે આપેલી ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, પોલીસ તપાસમાં આરોપીએ આપેલી મૂડીની સામે વ્યક્તિ જો હપ્તા ભરવામાં ચૂક કરી જાય તો ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરી શોષણ કરવામાં આવતું હતું. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી વ્યાજખોરો દ્વારા અપનાવી ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હતું. એટલું જ નહીં, પરંતુ આરોપી પાસે કોઈપણ પ્રકારનું નાણા ધીરનારનું લાયસન્સ પણ મળી આવ્યું નહોતું.

રાંદેર પોલીસે વ્યાજખોરીના ધંધામાં આરોપી વિજય નટવરભાઈ ગરીબની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપીની અટક ભલે ગરીબ હોય પરંતુ આર્થિક રીતે આરોપી સંપૂર્ણ રીતે સદ્ધર હોય તેવું પોલીસ તપાસમાં હાલ સામે આવ્યું છે. ગેરેજ ચલાવતો આરોપી વિજય નટવર ગરીબે માત્ર 5 વર્ષની અંદર રૂપિયા 6 લાખનું વ્યાજ વસૂલી વધુ રૂપિયા માટે માનસિક ત્રાસ આપતો હતો. આરોપીએ ના માત્ર આ જમીન દલાલ પરંતુ અન્ય લોકોને પણ ઊંચા વ્યાજે રૂપિયા આપી આર્થિક શોષણ કર્યું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. જ્યાં પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.