એપાર્ટમેન્ટમાં 3 બાળકીઓને શારીરિક અડપલા કરનાર ઇસમને સુરત પોલીસે દબોચ્યો
અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ નાની બાળકીઓ સાથે દુષ્કર્મ અને છેડતી જેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે અને આવી ઘટનાને અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા અલગ-અલગ શાળાઓમાં અલગ-અલગ કાર્યક્રમો યોજીને નાના બાળકોને ગુડ ટચ અને બેડ ટચનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. તેને લઈને બાળકો સાથે ગેરવર્તન કરતા લોકોની કરતુતો તો સામે આવી રહી છે અને આવી જ ઘટના સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સામે આવી હતી. જેમાં એક નરાધમે ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા અને એક બાળકીએ આ બાબતે તેની માતાને જાણ કરતા માતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ નરાધમ વિજય નામના ઈસમની ધરપકડ કરી છે.
સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 9મે 2024ના રોજ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય નામના ઈસમ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતી ત્રણ બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે પાંડેસરા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, ફરિયાદ નોંધાતાની સાથે જ વિજય ઈંગળે નામનો ઈસમ છે તે પોતાના ઘરેથી પસાર થઈ રહ્યો છે. વિજય મહારાષ્ટ્રના અકોલાનો રહેવાસી હતો તેથી પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર પણ રવાના થઈ હતી.
આ પણ વાંચો: સમલૈંગિક સંબંધ, રૂ.10 હજારની ઉઘરાણી અને મિત્રના હાથે મિત્રની હત્યા
પાંડેસરા પોલીસ દ્વારા આ વિજયની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તે માટે અલગ-અલગ ટીમો પણ તૈયાર કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન બાતમીના આધારે પાંડેસરા પોલીસ દ્વારા વિજયની ધરપકડ કરવામાં આવી છે. પાંડેસરા પોલીસે વિજયની સામે IPCની કલમ 354 (A)(1) 354 (B) તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ પોકસોની કલમ 8 તેમજ 18 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.