સુરત પોલીસે ધોરાજીથી 55 લાખના MD ડ્રગ્સ સાથે આરોપીને ઝડપ્યો

સુરતઃ શહેર પોલીસે નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે 55 લાખના ડ્રગ્સ સાથે આરોપીની ઝડપી પાડવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, 55 લાખનું MD ડ્રગ્સ મંગાવનારો ધોરાજીથી ઝડપાયો છે. 4 મહિના પહેલા સુરતના સચિન કપલેથા ચેકપોસ્ટ ખાતેથી 3 ઈસમો 55.48 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. ડ્રગ્સ અલ્ફાઝ ઉર્ફે ભુરીયો ઈકબાલ ગુંડલિયાએ મંગાવ્યુ હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસ અલ્ફાઝને શોધી રહી હતી.

અલ્ફાઝ પોલીસથી બચવા દુબઈ, સાઉથ આફ્રિકા, મુંબઈ, અમદાવાદ અને ત્યારબાદ ધોરાજી માસીના ઘરે બે મહિનાથી છુપાયો હતો. મહત્ત્વનું છે કે, આરોપી મુંબઇની હાજી અબ્દુલ રહેમાન શા બાબ દરગાહ ખાતે રોકાયો હતો. ત્યારબાદ અમદાવાદની શાહ-એ-આલમ દરગાહમાં રોકાયો હતો. આરોપી પોલીસ ટ્રેક કરી ન શકે તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો.