સુરત પોલીસે ખંડણી ઉઘરાવતા 2 કહેવાતા તોડબાજ પત્રકાર અને 1 RTI એક્ટિવિસ્ટની ધરપકડ કરી

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે. કહેવાતા પત્રકારોના નામે ખંડણી ઉઘરાવતા ઇસમોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતની ચોક બજાર પોલીસ દ્વારા બાંધકામ બાબતના ફોટા પાડી ખોટી રીતે બિલ્ડરો તેમજ લોકોને હેરાન કરી તેમની પાસેથી ખંડણી ઉઘરાવતા 2 કહેવાતા તોડબાજ પત્રકાર અને 1 RTI એક્ટિવિસ્ટની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ આપી હતી કે કેટલાક કિસ્સામાં દ્વારા પોતાની ઓળખ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ તરીકેની આપી ફરિયાદીના બાંધકામના ફોટા પાડી આ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપીને ખંડણી માગવામાં આવી રહી છે. ત્યારે ચોક બજાર પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી RTI એક્ટિવિસ્ટ અને કહેવાતા ત્રણ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે.
સુરતની ચોક બજાર પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ અનિલ શુક્લા, કપિલ પરમાર અને ગિરીશ ખુમાણની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે અનિલ શુક્લા પાનનો ગલ્લો ચલાવે છે અને સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલ સુમન મંદિર આવાસનો રહેવાસી છે. ઉપરાંત કપિલ પરમાર મકાન ભાડે આપવાનું દલાલી કામ કરે છે અને સુરતના ગજેરા સર્કલ પાસે સ્મૃતિ સોસાયટીમાં રહે છે. ઉપરાંત ગિરીશ લોન એજન્ટ તરીકે કામ કરે છે અને કતારગામ હરસિધ્ધિ કોમ્પલેક્ષ બહુચર નગરનો રહેવાસી છે.
આરોપીઓની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે આરોપી કપિલ કુમાર પરમાર કે જે મકાન ભાડે આપવાનું દલાલી કામ કરે છે તે 12 પાસ હોવા છતાં સમ્રાટ નામનું સાપ્તાહિક પેપર ચલાવે છે અને આ પેપરના દમ પર જ કપિલ બાંધકામ ચાલતું હોય તેવી જગ્યા પર જઈ બાંધકામના ફોટા પાડી લોકો કે પછી બિલ્ડરોને ધમકાવી તેમની પાસેથી માગ કરતો હતો. કપિલ સામે 2016માં મારામારીનો એક ગુનો પોલીસના ચોપડે નોંધાયેલો છે. સાથે જ બીજો આરોપી અનિલ શુક્લા કે જે પાનનો ગલ્લો ચલાવે છે તે 10 ધોરણ સુધી ભણ્યો છે અને સુરત રીડર ન્યુઝ નામથી સાપ્તાહિક પેપર ચલાવે છે અને અનિલ પણ પાનનો ગલ્લો ચલાવવાની સાથે પોતાના સાપ્તાહિક પેપરમાં કહેવાતો પત્રકાર બની લોકોના બાંધકામોના ફોટા પાડી તેમની પાસેથી ખંડણીની માગ કરતો હતો. ત્રીજો આરોપી ગિરીશ ખુમાણ લોન એજન્ટ હોવાની સાથે તે આરટીઆઇ એક્ટિવિસ્ટ પણ છે એટલે કે આરટીઆઇ કરીને લોકોના બાંધકામોની માહિતી માગીને માહિતીના આધારે લોકોને બ્લેકમેલ કરી તેમની પાસેથી પૈસા પડાવવાનું કામ કરતો હતો.