November 23, 2024

Suratમાં પોલીસ-ટેક્સટાઇલ વેપારીઓની બેઠક, જાણો સમગ્ર માહિતી

અમિત રુપાપરા, સુરતઃ રાજકોટના ગેમઝોનમાં બનેલી આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત વિભાગ દ્વારા રાતોરાત ટેક્સટાઇલ માર્કેટની 597 કરતાં વધારે દુકાનોને સીલ મારવામાં આવતા વેપારી દોડતા થયા હતા અને તાત્કાલિક વેપારી એસોસિએશન ફોસ્ટા દ્વારા ટેક્સટાઇલના વેપારી તેમજ પોલીસની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ફાયર સેફટીના સાધનો અને NOC પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે ટેક્સટાઇલ માર્કેટ પાસે ફાયર NOC ન હોય અથવા તો ફાયર સેફટીના સાધનોમાં કોઈ ક્ષતિ હોય તો તેને તાત્કાલિક દૂર કરવા પોલીસ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.

રાજકોટના ગેમઝોનમાં બનેલી આગની ઘટના બાદ હવે સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની ઘણી ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટીના સાધનોની અછત છે. તો ઘણી ટેક્સ્ટાઇલ માર્કેટમાં ફાયર એનઓસી જ નથી. ત્યારે આ બાબતે ફાયર વિભાગ દ્વારા રાતોરાત ટેક્સટાઇલ માર્કેટોને સીલ મારવાની કામગીરી કરતા ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટાના નેજા હેઠળ સુરત પોલીસ અધિકારી અને ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પોલીસના ડીસીપી ભગીરથસિંહ ગઢવી, એસીપી ચિરાગ પટેલ, સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ મોટી સંખ્યામાં ટેક્સટાઇલના વેપારી અને ફોસ્ટાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડઃ TPO સહિત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચાલુ મિટિંગમાં અટકાયત

DCP ભગીરથ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટાની ઓફિસમાં પોલીસ તેમજ ટેક્સટાઇલના વેપારી અલગ અલગ માર્કેટના ચેરમેન અને હોદ્દેદારો સાથે સિક્યોરિટી બાબતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને ફાયર સેફ્ટી તેમજ ઘટના બને ત્યારે કઈ રીતે બિલ્ડિંગમાંથી બહાર નીકળવું તે બાબતો જેવા વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ફાયર સેફટીના સાધનોને લઈને ભાર મૂકવામાં આવ્યો હતો.

માર્કેટના તમામ વેપારીઓને તેમજ આગેવાનોને સૂચના આપવામાં આવી હતી કે, તેમની બિલ્ડિંગોમાં જો ફાયર સેફટીના સાધનો હોય અને સિસ્ટમો લગાવવામાં આવી હોય તો એક વખત આ સિસ્ટમનું રીવ્યૂ કરવામાં આવે અને તેમાં જો કોઈ ક્ષતિ જણાય તો તાત્કાલિક અસરથી તેને દૂર કરવામાં આવે. જેથી કરીને કોઈ ઘટના બને તો આ સાધનોનો ઉપયોગ સરળતાથી કરી શકાય. આ બેઠકમાં વેપારીઓના જે અંગત પ્રશ્નો હતા તેને પણ સાંભળવામાં આવ્યા છે. આ સાથે ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટા દ્વારા પણ આ બેઠકમાં મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકના અંતે તમામ વેપારી ફોસ્ટાના આગેવાનો અને ટેક્સટાઇલ માર્કેટના હોદ્દેદારોએ એક જ સૂર પુરાવ્યો હતો કે કોઈપણ સંજોગોમાં સેફટી એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ.

ફોસ્ટાના ચેરમેન કૈલાસ હકીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 240 જેટલા બિલ્ડીંગો આવેલા છે અને ફોસ્ટાના ધ્યાન પર આવ્યું છે કે, આ બિલ્ડીંગોમાંથી 22થી 25 માર્કેટમાં ફાયરની NOC રીન્યુ નથી થઈ. નવી કમિટી જ્યારથી ચૂંટાઈને આવી છે જુલાઈ 2023થી ત્યારથી માર્કેટમાં સતત વેપારીને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં પણ વેપારીઓને જે માર્કેટમાં ફાયર એનઓસી રીન્યુ ન થઈ હોય, આ ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોની અછત હોય તેમને ફાયર સેફટી અને એનઓસી રીન્યુ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ફરીથી ડિસેમ્બર મહિનામાં પણ એક લેટર ફોસ્ટા દ્વારા લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ જાન્યુઆરીમાં ફરી એક વેપારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત અમારી એક કમિટી ફાયર સેફટીને લઈને મોનિટરિંગ કરી રહી છે. અમે રેગ્યુલર રીતે તમામ માર્કેટોના અધ્યક્ષ અને સભ્યોના સતત સંપર્કમાં છીએ. ટેક્સટાઇલ માર્કેટમાં સાંકડી ગલીઓ છે અને આગની ઘટનાઓમાં પણ ખૂબ જ મુશ્કેલી સર્જાય છે. ત્યારે આ વાતને ગંભીરતાથી લઈને અલગ અલગ ચાર વખત અમે મોકડ્રિલ પણ કરાવી છે.