January 7, 2025

સુરતમાં પાણીપુરીવાળાએ ચણા આપવાની ના પાડતા પિતા-પુત્ર પર હુમલો, 3ની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ ડાયમંડ સીટી કહેવાતું સુરત હવે ક્રાઈમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતમાં જીવલેણ હુમલા તેમજ હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના ડચ ગાર્ડન પાસે ત્રણ ટપોરીઓએ પાણીપુરીની લારી ચલાવનારા યુવક અને તેના પિતા પર હુમલો કર્યો છે. આ ત્રણેય ટપોરી દ્વારા ચપ્પુ અને લોખંડના સળિયા વડે પાણીપુરીની લારીવાળાને માર મારવામાં આવ્યો હતો. મારમારીનું કારણ એટલું જ હતું કે, પાણીપુરીવાળાએ ચણા ખાવા નહીં આપતા પાણીપુરીની લારી ધરાવનારા વ્યક્તિ અને તેના દીકરા પર હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને ત્રણેય ટપોરીની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ડચ ગાર્ડન પાસે 49 વર્ષીય સંતરામ પ્રજાપતિ દીકરા ભાનુપ્રતાપ સાથે પાણીપુરીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પિતા પુત્ર 26 નવેમ્બરના રોજ લારી પર હાજર હતા. તે સમયે ત્રણ ટપોરી પાણીપુરીની લારી પર આવ્યા હતા અને આ ત્રણેય ટપોરીઓએ ભાનુપ્રતાપ પાસેથી ચણા ખાવા માટે માંગ્યા હતા, પરંતુ ભાનુપ્રતાપ લારી બંધ કરતો હોવાના કારણે ચણા આપવાની ના પાડી હતી.

ભાનુપ્રતાપે ચણા આપવાની ના પાડતા જ અલ્તમસ, અયાન અને મુસ્તફા રોષે ભરાયા હતા. તેને સંતરામ પ્રજાપતિ અને તેના દીકરા ભાનુપ્રતાપ પર હુમલો કરી દીધો હતો. આ ઝઘડા દરમિયાન અલ્તમેશ નામના ઇસમે ચપ્પા વડે ભાનુપ્રતાપના સાથળના ભાગે બે ચપ્પુના ઘા મારી દીધા હતા. દીકરાને ઈજા થતા તેના પિતા સંતરામ બચાવવા વચ્ચે પડતા આ ઈસમોએ સંતરામને પણ સળિયા વડે માર માર્યો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠાં થઈ ગયા હતા. લોકોના ટોળાને જઈને આ ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા. આ ઉપરાંત બંને પિતા-પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બંને પિતા પુત્રને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં 49 વર્ષીય સંતરામ દ્વારા અલ્તમેશ ઉર્ફે અલ્તું શેખ, અયાન કુરેશી અને મુસ્તફા આરીફ શા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ અઠવા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી આ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.