September 19, 2024

સુરતીઓને વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવનારા વ્યાજખોરની ધરપકડ, પોલીસને મળી અગત્યની ફાઇલો

અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકોને મદદ કરવાની પહેલ કરવામાં આવી છે. ત્યારે અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લોક દરબારના આયોજનો પણ કરવામાં આવ્યા હતા. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકોની વેદના પોલીસે સાંભળી હતી અને વ્યાજખોરો સામે કાર્યવાહી પણ કરી હતી. પોલીસની આ કામગીરીને લઈને ગરીબ લોકો કે જ્યાં વ્યાજખોરોના ચંગુલમાં ફસાયા હતા. તેમને મોટી રાહત મળી છે. ત્યારે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસ દ્વારા વ્યાજખોરની ધરપકડ કરી છે અને તેના ઘરે સર્ચ કરી કેટલીક અગત્યની ફાઈલો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પ્રેમ નગરમાં એક ઈસમ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી વ્યાજે પૈસા આપીને ધાકધમકી આપી તે લોકોની પ્રોપર્ટી પડાવી લેતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. આ ફરિયાદ એક મહિલા દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઈંચ

મહિલાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસના ધ્યાને આવ્યું હતું કે, દીપક ઉમરાવ નામનો વ્યક્તિ પ્રેમનગર વિસ્તારમાં ગરીબ લોકોને વ્યાજે પૈસા આપે છે અને વ્યાજના બદલામાં તેમની પાસેથી મિલકતો પણ આવે છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરતા એવું પણ સામે આવ્યું હતું કે, આ દીપક ઉમરાવ ગરીબ લોકો પાસેથી 10થી 15 ટકાનું વ્યાજ ગેરકાયદેસર રીતે વસૂલતો હતો.

મહિલાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા દીપકના ઘરે તપાસ કરવામાં આવી હતી અને વ્યાજખોર દીપકની ધરપકડ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દિપકના ઘરેથી પોલીસને કેટલીક અગત્યની ફાઈલો પણ મળી આવી છે. પોલીસની તપાસમાં સામે આવી છે કે, દિપક આઉટ સોર્સિંગનું કામ કરતો હતો અને લોકોને નોકરી પર રાખતો હતો. આ લોકોને વ્યાજે પૈસા આપી તેમના પગારમાંથી જ પૈસા કાપી લેતો હતો.

પોલીસ દ્વારા જ્યારે આ દિપકના ઘરે સર્ચ કરવામાં આવ્યું ત્યારે બેથી ત્રણ ફાઈલો એવી મળી કે, જેમાં તેને સાવ નજીવી કિંમતે લોકોની મિલકત પચાવી પાડી હતી. આ ઉપરાંત કેટલીક ફાઈલો એવી પણ હતી કે, જેમાં વ્યાજે પૈસા લેનારા લોકો દ્વારા પૈસાની ચુકવણી કરવામાં આવી છતાં દીપક દ્વારા આ ફાઈલ લોકોને પરત કરવામાં આવી ન હતી અને દિપક એકવાર પૈસા આપ્યા બાદ સતત લોકો પાસેથી વ્યાજ વસૂલતો રહેતો હતો.