પોસ્ટ માસ્ટરે ગાયબ કર્યા 19 નાગરિકોનાં લાખો રૂપિયા, એકની અટકાયત

કિરણસિંહ ગોહિલ, સુરતઃ સામાન્ય બેંકો ઉઠી જાય, પેઢી ઉઠી જાય અને ખાનગી ફાયન્સર કે પછી ચિટ ફંડ કરતી સંસ્થા ઉઠી જાય અને ગરીબો અને અમીરોના પૈસા ડૂબે એવું વારંવાર બનતું હોય છે. એટલે લોકો મહેનતના રૂપિયા સરકાર હસ્તક વિશ્વાસુ પોસ્ટ ખાતામાં જમા કરાવે છે. આ પોસ્ટ ખાતામાં પણ તમારા મહેનતના પૈસા ગાયબ થઈ જાય તો..? આવું જ કંઈ સુરતના પલસાણામાં બન્યું છે.
સુરતના બારડોલી ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટના અધિકારી ચંદુલાલ પાડવીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પલસાણા તાલુકાના લાખાણપોર પોસ્ટના પોસ્ટ માસ્ટર કાર્તિકગિરી ભાઇલાલગિરી ગોસ્વામી અને પુણી પોસ્ટના પોસ્ટ માસ્ટર જીગ્નેશસિંહ ઠાકોર સામે તેમના જ વિભાગના અધિકારીએ લાખોની ઉચાપત કરવાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ પણ એવી છે કે, લોકોને પોસ્ટ વિભાગના સુશાસન વહીવટ પરથી વિશ્વાસ ઉઠી જશે. લાખણપોર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર કાર્તિકગિરી ગોસ્વામીના શેતાની દિમાગનો અનેક ગ્રાહકો ભોગ બન્યા છે. ગ્રાહક તો ગ્રાહક પણ સરકારી યોજના પૈકી અપાતી સરકારી સહાયની રકમ પણ સ્વાહા કરી ગયા છે. કુલ 37.28 લાખ રૂપિયા સ્વાહા કરી ગયા છે. આ આખું કૌભાંડ લાખોનું નથી કરોડોમાં જશે એવું લાગે છે. કારણ કે, આખું કૌભાંડ 13 એપ્રિલ 2023થી 28 ડિસેમ્બર 2024ના સમયગાળા દરમિયાન આચરાયું છે.
લાખણપોર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર કાર્તિકગિરી અલગ અલગ પોસ્ટ એકાઉન્ટમાં ગ્રાહકોના નાણાં નાંખતા અને ગ્રાહકોની જાણ બહાર લાખો રૂપિયા સગેવગે કરી દેતા હતા. આ આખી કરતૂતમાં પુણીના પોસ્ટ માસ્ટર જીગ્નેશસિંહ ઠાકોર પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. આ બંને ગ્રાહકોને ખબર ના પડે એ માટે પબ્લિકના નવા ખાતા ખોલતા જેમાં ગ્રાહકોને અંધારામાં રાખી તેમના નાણાં બીજા ખાતામાં જમા કરાવી દેતા અને મોબાઈલ નંબર સગા કે વિશ્વાસુઓના આપતા જેથી સરળતાથી ઓટીપી નંબર મેળવી રૂપિયા સંગેવગે કરી લેવામાં આવતા હતા. મોટાભાગે આ ગામના લોકો એનઆરઆઈ હોવાથી મોટી રકમ સગેવગે થઈ હોવાનું માનવામાં આવે છે. એ તો તપાસ પછી જ સાચી હકીકત બહાર આવશે. હવે સરકારના આ પોસ્ટ ખાતામાં ગ્રાહકોને પૈસા મૂકવામાં પણ બીક લાગે છે.
પલસાણા તાલુકાનું લાખાણપોર ગામ એનઆરઆઈ ગામ છે એટલે સ્વભાવિક આ લાખાણપોર પોસ્ટની બ્રાન્ચમાં મોટી રકમ જમા થાય પણ આ પોસ્ટ માસ્ટરની નિયત સારી નહોતી. ગ્રાહકોના રૂપિયા લીધા બાદ પોસ્ટ એકાઉન્ટમાં જમા કરતા નહીં અને મળતિયાના ખાતામાં રૂપિયા જમા કરાવતા હતા. મોબાઈલ નંબર મળતિયાના આપતા હતા. જેથી ઓટીપી નંબર સરળતાથી મળી જાય અને ગ્રાહકોના રૂપિયા સગેવગે કરી દેવામાં આવતા હતા. પોસ્ટ માસ્ટર પર ગ્રાહકો અને ગ્રામજનોને વિશ્વાસ હતો, પરંતુ આંધળો વિશ્વાસ આફત લાવે છે. જે ગ્રાહકો ભોગ બન્યાં એમણે પોલીસ સહિત પોસ્ટ વિભાગમાં બધે ફરિયાદ કરી અને તપાસ દરમિયાન જે વિગત બહાર આવી એ ચોંકાવનારી હતી.
હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયાં છે અને લાખાણપોર પોસ્ટના પોસ્ટ માસ્ટરની પલસાણા પોલીસે અટક કરી વધુ પૂછપરછ કરી રહી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 15 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, પોલીસને પણ આશંકા છે કે, આ કૌભાંડ લાખોનું નહીં કરોડોનું છે.