સુરત: ગુજરાત ગાયત્રી પરિવાર દ્વારા યુગ સુજેતા યુવા શિબિરનું આયોજન
અમિત રૂપાપરા, સુરત: વર્તમાન સમયમાં યુવાધન સંસ્કૃતિનો માર્ગ છોડીને વિદેશી કલ્ચર તરફ આગળ વધી રહ્યુ છે. બીજી બાજુ, યુવાનોમાં સહનશક્તિ પણ ઓછી થઈ છે અને કેટલાક યુવાનો નશાની લતે પણ લાગ્યા છે. દેશમાં યુવા ધનને વધુ મજબૂત બનાવવા માટે સુરતમાં ગુજરાત ગાયત્રી પરિવાર દ્વારા યુગ સુજેતા યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5000 કરતાં વધારે ગુજરાતના યુવા ઉપસ્થિત રહેશે. આ શિબિરનું મુખ્ય હેતુ છે કે, વર્તમાન સમયમાં યુવાધન સંસ્કાર અને વ્યસન મુક્તિ તરફ આગળ વધી સાહસી બને અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનો એક અંશ અર્પિત કરે તેવો છે.
વર્તમાન સમયમાં દેશ અને દુનિયા આતંકવાદ, પ્રદૂષણ, મૂંઢ માન્યતાઓ તેમજ અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે. આ દુનિયામાં યુવાનો પણ અવળી સંગતે ચઢતા હોવાના કારણે યુવાનોની મનોસ્થિતિ ખૂબ જ નબળી થઈ રહી છે. તો બીજી તરફ કેટલાક યુવાનો નશાના રવાડે પણ ચડી રહ્યા છે. વર્તમાન સમયમાં દેશના 65 કરોડથી વધુ યુવાનોની દશા અને દિશા બદલવી ખૂબ જ આવશ્યક છે અને યુવાનોમાં સંસ્કાર, શરીરબળ, મનોબળ, આત્મબળ વધે તેવા હેતુથી સુરતમાં સમગ્ર ગુજરાત ગાયત્રી પરિવાર દ્વારા યુગ સુજેતા યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા શિબિરમાં યુવાનો ચરિત્રવાન, સુસંસ્કારી અને આત્મબળથી સજાગ બને તે માટે યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. સુરતમાં 14થી 16 ડિસેમ્બર સુધી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ગુજરાતના 5 હજાર કરતાં વધારે યુવક અને યુવતીઓ ભાગ લેશે. મહત્વની વાત છે કે આ શિબિરમાં રાજકીય સામાજિક ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ડોક્ટર ચિન્મય પંડ્યા ઉપસ્થિત રહેશે.
આ શિબિરમાં 33 જિલ્લાઓમાંથી યુવાનો ઉપસ્થિત રહેશે. સાથે જ આ શિબિર દરમ્યાન સંસ્કાર શાળા, વ્યસન મુક્તિ, આદર્શ ગ્રામ, યુગ નિર્માણ, જીવનને ઉત્કૃષ્ટ બનાવનારી પ્રદર્શનની પણ યોજવામાં આવશે અને સાથે 3000 કરતા વધારે પુસ્તકોની પ્રદર્શનનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિચાર ક્રાંતિ અભિયાનને પણ યુવાનોમાં આગળ વધારી શકાય. તો સાથે જ આ શિબિરમાં યુવાનો પોતાના જીવનની સાચી દિશા મેળવે ઉપરાંત પોતાની પ્રતિભા, ધન અને સમયનો એક અંશ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સમર્પિત કરે તેઓ સંકલ્પ પણ લેશે.