સુરતમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી સોનાની વીંટી સહિત રોકડ રકમ પડાવી, ત્રણની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં એક વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને સોનાની વીંટી સહિત 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેનારી મહિલા સહિત ત્રણ ઈસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડ્યા છે. આ ત્રણ આરોપીમાં મહિલા મનીષા, નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઈસમનો સમાવેશ થાય છે.
સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી હનીટ્રેપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા હતા. વરાછા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધ 30 ડિસેમ્બરના રોજ કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે મનીષાએ વૃદ્ધને સ્માઈલ આપી હતી અને ત્યારબાદ વૃદ્ધનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાયા બાદ મહિલાએ પ્રેમજાળમાં વૃદ્ધને ફસાવ્યા હતા અને વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા અને ત્યારબાદ મકાનના ત્રીજા મળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું.
વૃદ્ધ દ્વારા જ્યારે કપડાં ઉતારવામાં આવ્યા, ત્યારે તરત જ રૂમમાં બે ઈસમો આવી પહોંચ્યા હતા અને મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો. વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા હતા. આ ઉપરાંત વૃદ્ધ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. ધમકીથી ડરી જઈને વૃદ્ધ પાસેથી સોનાની બે વીંટી અને રોકડા રૂપિયા સહિત 1.15 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ સમગ્ર ઘટનામાં વૃદ્ધ દ્વારા મિત્રને આ બાબતે વાત કરતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃદ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને નિલેશ ગૌસ્વામી, ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ કરી હતી.
તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને એવી પણ સામે આવી રહી છે કે, નિલેશ ગૌસ્વામી પોલીસનો બાતમીદાર છે અને આ બાતમીદારને મીડિયાથી બચાવવા માટે પોલીસના વહીવટદાર દ્વારા તેને પોલીસ સ્ટેશનમાં જ ગોળ ગોળ ફેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને મીડિયાથી દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવતા હતા. એટલે જો પોલીસના જ વહીવટદારો દ્વારા આરોપીને આ પ્રકારે બચાવવાના પ્રયાસો કરાશે તો આરોપી ગુનો કરતા અટકશે કે નહીં તે એક મોટો સવાલ છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ ઉચ્ચ અધિકારી દ્વારા આવા વહીવટદારો સામે કાર્યવાહી કરાશે કે નહીં?