December 23, 2024

સુરતમાં જૂના કતારગામથી સિંગણપોરની TP મામલે લોકોનો વિરોધ, કલેક્ટરને રજૂઆત

અમિત રુપાપરા, સુરતઃ શહેરના જુના કતારગામ પોલીસ સ્ટેશનથી સિંગણપોર ચાર રસ્તા સુધી ટીપી રસ્તાને નડતરરૂપ 700 જેટલી મિલકતોને પાલિકા દ્વારા પાઠવવામાં આવેલી નોટિસના પગલે ફરી એક વખત અસરગ્રસ્તો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીથી લઈ અલગ અલગ વિભાગ સુધી રિઝર્વેશન દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. છતાં સમસ્યાનો હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. જો રિઝર્વેશન દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જિલ્લા કલેકટર કચેરીએ આમરણાંત ઉપવાસ પર ઉતરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે.

સુરતના કતારગામ વિસ્તારના 700 જેટલા મિલકતદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને આ મિલકત ડિમોલિશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જુના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા સુધી 700 જેટલા દુકાનો અને મકાનમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. મહત્વની વાત છે કે, અહીંના લોકો છેલ્લા 20થી 30 વર્ષથી અહીં વસવાટ કરતા આવ્યા છે. વર્ષ 2022માં પાલિકાએ અહીં રિઝર્વેશન મૂક્યું છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

અંદાજિત 500થી પણ વધુ અહીં મિલકતો આવેલી છે. જેમાં ખાલી પ્લોટથી લઈ રહેણાંક મકાનો પણ આવેલા છે. અહીં ભ્રષ્ટાચાર કરી ખોટી રીતે રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યો છે. જેથી લોકોને ઘરવિહોણા કરવાનું એક ષડયંત્ર કરવામાં આવ્યું છે. સરકાર એક તરફ લોકોને આવાસના નામે ઘરનું ઘર આપવાની વાત કરે છે. બીજી તરફ લોકોને ઘરવિહોણા કરવા માટે પાલિકાએ રિઝર્વેશન મૂકી દીધું છે. જેથી લોકો સામે દિવાળીએ ઘરવિહોણા થાય તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. આ રિઝર્વેશન દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તમામ અસરગ્રસ્તો જિલ્લા કલેક્ટર કચેરીએ આમરણાંત ઉપવાસ પર ઉતરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે. જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પાલિકાની રહેશે.