December 23, 2024

સુરતના ત્રણ ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ, ટર્મિનેટ કરવાની તૈયારી ચાલુ

અમિત રુપાપરા, સુરતઃ વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની કહેવાય છે. પરંતુ સમગ્ર રાજ્યમાં ઘણી શાળાઓમાં કેટલાક શિક્ષકો પોતાની કામગીરીમાંથી છટકતા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ઘણી શાળાઓમાં કેટલાક સરકારી શિક્ષકો રજા લઈને છ મહિના, આઠ મહિના, એક વર્ષ કે બે વર્ષથી વિદેશ ચાલ્યા ગયા છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પણ આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ સુરતમાં પણ આવા ત્રણ ભુતિયા શિક્ષક સામે આવ્યા છે. જેમાંથી એક શિક્ષક તો નોકરી મળ્યાના 15 દિવસ પછી શાળાએ દેખાયા જ નથી. તો બે શિક્ષિકા વિદેશ જવાની રજા લઈને વિદેશમાં જ સેટલ થયા છે. સુરતમાંથી પણ ત્રણ ભુતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે.

સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અન્ય જિલ્લાની જેમ ત્રણ ભૂતિયા શિક્ષક હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે શિક્ષિકા 2022થી ગાયબ છે. તો એક શિક્ષક જે ઉર્દુ શાળામાં ફરજ બજાવતા હતા તે નવેમ્બર 2021થી શાળામાં દેખાયા જ નથી. આ ત્રણ ભુતિયા શિક્ષકની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા સંચાલિત અબ્બાસ તૈયબજી ઉર્દુ પ્રાથમિક શાળા નંબર 275માં મુહમદ અમીન નામના શિક્ષકની વિદ્યા સહાયક તરીકે પસંદગી થઈ હતી. 16 ઓક્ટોબર 2021માં તેઓ શાળામાં ફરજ પર આવ્યા હતા, પરંતુ પંદર દિવસ બાદ તેમને નોકરી માફક ન આવતા તેઓ શાળાએ દેખાયા જ નથી. આ શિક્ષકના નિવૃત્તિનું વર્ષ 31 જુલાઈ 2048 છે, પરંતુ તેઓ શાળામાં દેખાતા જ નથી. તેથી સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા આ શિક્ષક સામે ટર્મિનેટ કરવા સુધીના પગલાં ભરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

આ ઉપરાંત બીજા શિક્ષિકાની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા સંચાલિત ગુરુ વિજય વલ્લભ સુરી મહારાજ સાહેબ શાળા નંબર 121માં નિમિષા પટેલ નામના શિક્ષિકા ફરજ બજાવતા હતા. 8 જાન્યુઆરી 2018થી તેઓ આ શાળામાં ફરજ બજાવતા હતા અને ડિસેમ્બર 2022માં તેઓ કેનેડાના વિઝા લઈને ત્રણ મહિનાના પ્રવાસે ગયા હતા. ત્રણ મહિનાના વિઝા પૂરા થયા છતાં પણ તેઓ પોતાની નોકરી પર પરત આવતા ન હતા. તેથી આ બાબતે શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ સમિતિમાં રજૂઆતો કરવામાં આવી હતી. 7 વખત જાણ કરવામાં આવ્યા બાદ શિક્ષણ સમિતિ દ્વારા ત્રણ વખત આ શિક્ષિકાને નોટીસ આપવામાં આવી છે. પરંતુ શિક્ષિકા દ્વારા આ નોટિસનો પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી અને ડિસેમ્બર 2022માં વિદેશ ગયા પછી તેઓ શાળામાં ફરજ બજાવવા માટે પણ આવી રહ્યા નથી.

ત્રીજા શિક્ષકની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા સંચાલિત 190 નંબરની શાળામાં આરતી ચૌધરી કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. 1 ઓગસ્ટ 2022ના રોજ તેઓ ત્રણ મહિનાની રજા લઈને કેનેડા ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ફર્યા નથી. શાળાના આચાર્ય દ્વારા ચાર વખત શિક્ષણ સમિતિને માહિતી આપવામાં આવી હતી અને ત્રણ વખત શિક્ષણ સમિતિએ શિક્ષક આરતી ચૌધરીને નોટિસ પણ આપવામાં આવી છે. મહત્વની વાત છે કે, શાળામાં 8 જાન્યુઆરી 2019માં તેઓ જોઈન થયા હતા. તો ઓગસ્ટ 2022માં વિદેશ ગયા બાદ આજ દિન સુધી તેઓ શાળાએ પરત ફર્યા નથી. તેથી આ બંને શિક્ષિકાઓ સામે પણ શિક્ષણ સમિતિ દ્વારા ટર્મિનેટ સુધીની કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરી છે.

તો બીજી તરફ આ સમગ્ર મામલે શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં જેટલા દિવસની રજા શિક્ષકોની મંજૂર થઈ હતી તેટલા દિવસનો જ પગાર આ શિક્ષકોને ચૂકવવામાં આવ્યો છે. આ તમામ શિક્ષકોને હવે નિયમ અનુસાર ટર્મિનેશન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ શિક્ષણ સમિતિની એક ટીમ દ્વારા આકસ્મિત રીતે અલગ અલગ શાળાઓની મુલાકાત કરીને આ બાબતે તપાસ પણ કરવામાં આવશે કે શિક્ષકો પોતાના કાર્યના સમય દરમિયાન બરાબર ફરજ બજાવે છે કે નહીં.