December 24, 2024

સુરતની સરકારી કચેરીમાં મનપાના કર્મીઓ દ્વારા દારૂ પાર્ટી, પાલિકા એક્શન મોડમાં

અમિત રુપાપરા, સુરતઃ મહાનગરપાલિકા છેલ્લા કેટલાક દિવસોથી દારૂ પાર્ટી બાબતે વિવાદમાં આવી રહી છે. અગાઉ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટરો દારૂ પાર્ટી કરતા હોવાના અને એક ડોક્ટર દ્વારા બોયઝ હોસ્ટેલમાં સ્પા ગર્લને બોલાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બીજી તરફ અન્ય એક ડોક્ટર દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો. હજુ તો આ પ્રકરણ પૂરું થયું નથી ત્યાં સુરત મહાનગરપાલિકા સંચાલિત તરણકુંડના કર્મચારીઓ જ રાત્રિના સમયે મેચ જોતા જોતા દારૂ પાર્ટી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

સુરતના કતારગામ સિંગણપોર તરણકુંડમાં ફરજ બજાવતા કર્મચારીઓ દારૂ પાર્ટી કરતા હોવાની ઘટના સામે આવી છે. જાગૃત નાગરિકને આ બાબતે જાણ થતાં જ રાત્રિના સમયે જાગૃત નાગરિક સ્થાનિક ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને સાથે લઈને તરણકુંડ પર પહોંચ્યા હતા અને જ્યાં તપાસ કરતા તરણકુંડના સિનિયર ઇન્સ્ટ્રક્ટર પંકજ ગાંધી, ઇન્સ્ટ્રક્ટર તેજસ ખલાસી, પીનેસ સારંગ, અજય શેલર અને કોન્ટ્રાક્ટર સંજય રેતીવાલા એક રૂમમાં બેસી દારૂ પાર્ટી કરતા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે જાગૃત નાગરિકે રૂમનો દરવાજો ખોલતા જ ભાગદોડ મચી ગઈ હતી અને તમામ લોકો રૂમની બહાર નીકળીને ભાગવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ સાવરકુંડલામાં ડિમોલિશન ડ્રાઇવ, કેબિન-ઓટલા સહિતનાં દબાણો દૂર કર્યા

ત્યારબાદ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા પોલીસ કંટ્રોલ નંબર પર ફોન કરીને પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તો પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાના બીજા દિવસે જ્યારે સિંગણપોર પોલીસ તપાસ કરવા માટે પહોંચી, ત્યારે તરણકુંડના કર્મચારીઓ દ્વારા જ તમામ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જાગૃત નાગરિકે તરણકુંડ પર તપાસ કરી ત્યારે દારૂની બોટલો અને નાસ્તો થતો હોવાનું સામે આવ્યું હતું. રૂમમાંથી નાસ્તાની ખાલી પ્લેટો અને દારૂની બોટલ મળી આવી હતી. પરંતુ બીજા દિવસે જ્યારે પોલીસ તપાસ કરવા માટે પહોંચી, ત્યારે રૂમની અંદર ન તો દારૂની બોટલ હતી કે ન તો નાસ્તો કરેલી પ્લેટ હતી. એટલે કે તમામ પુરાવાઓનો નાશ તરણકુંડના કર્મચારીઓ દ્વારા કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ વડોદરામાં ચાલુ સ્કૂલવાનમાંથી પટકાઈ બે વિદ્યાર્થિનીઓ, જુઓ વીડિયો

તો બીજી તરફ આ અહેવાલ મીડિયાના માધ્યમથી પ્રસારિત થતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને મનપાના અધિકારીઓ દ્વારા તરણકુંડના કર્મચારીઓને પૂછપરછ માટે વડી કચેરી બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાત્રિના સમયે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની પણ પૂછપરછ મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જો કે, હવે જોવાનું એ રહે છે કે, સરકારી કચેરીની અંદર જ દારૂ પાર્ટી કરતા મહાનગરપાલિકાના જ કર્મચારીઓ સામે હવે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ કેવા પગલા ભરે છે.