December 19, 2024

Surat મહાનગરપાલિકા એક્શન મોડમાં, ટેક્સટાઇલ માર્કેટની 597 દુકાન સીલ

અમિત રુપાપરા, સુરતઃ રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ હવે સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ પણ એક્શન મોડમાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા ટેક્સટાઇલ માર્કેટ અલગ અલગ શોપિંગ મોલમાં ચાલતી ફાયર સેફ્ટી વગરની દુકાનો, જીમ, શાળા અને દવાખાનાઓને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મોડી રાત્રે ફાયર વિભાગ દ્વારા સુરત ટેક્સટાઇલ માર્કેટની 597 જેટલી દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર સેફટીના અભાવના કારણે આ તમામ દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું.

રાજકોટમાં આગની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે તેમના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે. આ પરથી જ કહી શકાય કે, આ ઘટના કેટલી ગંભીર છે. રાજકોટની આ ઘટનાને લઈને હવે સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઈને અલગ અલગ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનો બાબતે સુરતની અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટો તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સુરતની અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટની 597 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. ફાયર સેફટીના સાધનો ન હોવાના કારણે આ દુકાનોને સીલ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસિસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સુરતની શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાન, હીરાપન્ના ટેક્સટાઇલ માર્કેટની 75 દુકાન તેમજ રાધે ટેક્સટાઇલ માર્કેટની 411 દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સાથે વરાછા બી ઝોનમાં ટર્નિંગ પોઇન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો કતારગામ વિસ્તારમાં એક જીમને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. તો બેગમપુરા વિસ્તારના પણ એક જીમને સીલ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે જ રાંદેર ઝોનમાં રાજ પોઇન્ટમાં આવેલી 4 દુકાનો તેમજ ટ્યુશન ક્લાસ સહિત કુલ 50 દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તમામ સ્થળો પર ફાયર સેફટીની અપૂરતી સુવિધાઓને લઈને ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

મહત્વની વાત એ છે કે, રાજકોટની ઘટના બાદ જ શા માટે ફાયર તંત્ર જાગ્યું? અત્યાર સુધી આ જ ફાયરના અધિકારીઓ ક્યાં હતા? શું તેમને ખબર ન હતી કે સુરત શહેરમાં પણ ઘણા એવા કોમ્પ્લેક્ષો, ટેક્સટાઇલ માર્કેટો ફાયર એનઓસી કે ફાયર સેફટીના સાધનો વગર ચાલી રહી છે? શું સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓને તક્ષશિલા અગ્નિકાંડની ઘટના યાદ નથી કે, પછી તેઓ ફરીથી તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બને અને ત્યારબાદ એક્શનમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા.